Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

તપાસ પૂરી થાય તે પહેલાં જ ITC પરત કરવા વેપારીઓને દબાણ કરતા GST અધિકારીઓ

ક્રેડિટ બ્લોક કરવાની સાથે બેંક એકાઉન્ટ સીઝ કરવાની અપાતી ધમકી : હાઇકોર્ટની તપાસ બાદ જ કાર્યવાહી કરવાની સૂચના છતાં કરાતું ઉલ્લંઘન

નવી દિલ્હી તા. ૧ર :.. છેલ્લા કેટલાક સમયથી બોગસ બિલીંગ રેકેટમાં તપાસ પુરી થાય તે પહેલા જ જીએસટીના અધિકારીઓ દ્વારા ખોટી રીતે લીધેલી આઇટીસી ભરવા માટે દબાણ કરતા હોવાની વ્યાપક ફરીયાદ ઊઠી છે તેમજ કરદાતા દ્વારા જો ભરવામાં નહીં આવે તો તેની ક્રેડિટ બ્લોક કરવા ઉપરાંત બેંક એકાઉન્ટ પણ સીઝ કરી દેવાની ધમકી કરદાતાને આપવામાં આવી રહી છે. જયારે હાઇકોર્ટ અને ટ્રીબ્યુનલે પણ અનેક ચૂકાદામાં તપાસ પુરી થયા બાદ જ આવી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેમ છતાં નિયમોની ઉપરવટ જઇ સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ કાર્યવાહી કરતા હોવાની બુમરાણ મચી છે.

જીએસટીના કરદાતાએ ક્રેડિટ લીધા બાદ જેની પાસેથી ખરીદી કરી હતી કે વેપારીએ બોગસ બિલીંગના રેકેટમાં સંડોવાયેલા હોવાનું બહાર આવે તો જીએસટીના અધિકારીઓ કાર્યવાહી કરતા હોય છે. પરંતુ તેમાં સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ બોગસ બિલીંગ રેકેટમાં કરદાતા સંડોવાયેલો છે કે કેમ તેની પુરતી તપાસ કર્યા વિના જે પણ ક્રેડીટ લીધી તેના નાણા તથા ૧પ ટકા દંડ અને વ્યાજ સહિતની રકમ ભરવા માટે દબાણ કરતા હોય છે. જો તે ભરપાઇ કરવામાં નહીં આવે તો ક્રેડિટ બ્લોક કરવાની તથા બેંક એકાઉન્ટ સીઝ કરી દેવાની ચિમકી આપવામાં આવતી હોય છે. જયારે હાઇકોર્ટ અને ટ્રીબ્યુનલ દ્વારા આ પ્રમાણેની કાર્યવાહી કરવી સદંતર ગેરવ્યાજબી હોવાનું જણાવ્યું હોવા છતાં જીએસટીના અધિકારીઓ વેપારીઓને રંજાડતા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવા જ કારણોસર સીબીઆઇસીએ કરદાતાને નોટીસ મોકલતા પહેલા ડીન નંબર ફરજીયાતનો નિયમ બનાવ્યો છે. પરંતુ આ નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન કરીને જીએસટીના અધિકારીઓ પોતાની  મનમાની કરતા હોવાની પણ વ્યાપક ફરીયાદ ઉઠી છે. આ જ કારણોસર ચેમ્બરે પણ રાજય સરકારમાં રજૂઆત કરી હતી.

નોટિસનો જવાબ કરદાતા દ્વારા લેખિતમાં રજૂ કરવામાં આવે તો અધિકારીઓની હેરાનગતિથી બચી શકે

જીએસટી વિભાગ દ્વારા આઇટીસી ભરવા માટે દબાણ કરવાની કાર્યવાહી કરવામાં આવે તો સૌથી પહેલા અધિકારીઓ પાસે લેખિતમાં તેની વિગતો માંગવામાં આવવી જોઇએ. તેમજ કરદાતાએ પણ તમામ જાણકારી લેખિતમાં જ આપવી જોઇએ. જેથી ભવિષ્યમાં કેસ કરવામાં આવે તો કરદાતાએ પરેશાન થવુ નહીં પડે. કારણ કે અગાઉ અનેક કેસમાં તપાસ પુરી થયા બાદ જ કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે. તેમ છતાં આવી કાર્યવાહી કરવામાં આવે તે યોગ્ય નથી.      -સીએ

(11:27 am IST)