Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

હવે રિટેલ ઇન્વેસ્ટર સરકારી સિકયોરિટીઝ અને બોન્ડ્સમાં સીધું રોકાણ કરી શકશ

વડાપ્રધાન મોદીએ RBIની બે નવી સ્કીમ લોન્ચ કરી

નવી દિલ્હી, તા.૧૨: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રિટેલ ડાયરેકટ સ્કીમ અને ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ લોન્ચ કરી છે. આરબીઆઈની રિટેલ ડાયરેકટ સ્કીમ સરકારી સિકયોરિટીઝમાં રિટેઇલ ભાગીદારી વધારશે સાથેસાથે ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનો હેતુ ફરિયાદ નિવારણ પ્રણાલીમાં વધુ સુધારો કરવાનો છે.

હાલમાં કોઈ પણ રિટેલ ઇન્વેસ્ટર સરકારી સિકયોરિટીઝ અને બોન્ડ્સમાં સીધું રોકાણ કરી શકતો નથી. માત્ર બેંકો અને સંસ્થાકીય રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા હવે સામાન્ય રોકાણકારો પણ સરકારી સિકયોરિટીઝ અને બોન્ડમાં રોકાણ કરી શકશે. એટલે કે, તમને રોકાણ માટે નવું બજાર મળશે.

રિટેલ ડાયરેકટ સ્કીમની રજૂઆત પછી તમારે સરકારી સિકયોરિટીઝમાં રોકાણ કરવા માટે ગિલ્ટ એકાઉન્ટ ખોલવું પડશે. આ ખાતું મફતમાં ખોલવામાં આવશે. આરબીઆઈ એકાઉન્ટનું સંચાલન કરશે અને તમે તેને માત્ર ઓનલાઈન જ ઓપરેટ કરી શકશો. જો તમે સરળ ભાષામાં સમજો છો, તો તે તમારા બેંક ખાતા જેવું હશે.

આરબીઆઈ રિટેલ ડાયરેકટ સ્કીમની જાહેરાત આ વર્ષે ૫ ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત કરતા, RBI ગવર્નર શકિતકાંત દાસે તેને એક મહત્વપૂર્ણ નીતિ સુધારણા ગણાવી હતી.

રિઝર્વ બેંક ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ (RB-IOS) નો હેતુ ફરિયાદ નિવારણ પદ્ઘતિમાં વધુ સુધારો કરવાનો છે. આ યોજના દ્વારા કેન્દ્રીય બેંકની નિયમનકારી સંસ્થાઓના ગ્રાહકોની ફરિયાદોને વધુ સારી રીતે ઉકેલવામાં આવશે. યોજનાની કેન્દ્રીય થીમ 'વન નેશન વન ઓમ્બડ્સમેન'છે.

આ હેઠળ એક પોર્ટલ એક ઈ-મેલ અને એક સરનામું હશે જયાં ગ્રાહકો તેમની ફરિયાદો નોંધાવી શકશે. તમે તમારી ફરિયાદોનું સ્ટેટસ જાણી શકશો અને ફીડબેક આપી શકશો. બહુભાષી ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવશે. આના દ્વારા તમે ફરિયાદોના નિરાકરણ અને ફરિયાદ નોંધવા સંબંધિત તમામ જરૂરી માહિતી મેળવી શકશો.

ગવર્મેન્ટ સિકયોરિટી (G-Sec) શું છે?

ગવર્મેન્ટ સિકયોરિટી (G-Sec) એ કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારો દ્વારા જારી કરવામાં આવતું ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આવી સિકયોરિટીઝ ટૂંકા ગાળાની હોય છે (સામાન્ય રીતે ટ્રેઝરી બિલ કહેવાય છે અને એક વર્ષથી ઓછી મુદતની મૂળ પાકતી મુદત સાથે આવે છે) અથવા લાંબા ગાળાની (સામાન્ય રીતે સરકારી બોન્ડ કહેવાય છે અને એક વર્ષ કે તેથી વધુની મૂળ પાકતી મુદત સાથે આવે છે). ભારતમાં, કેન્દ્ર સરકાર ટ્રેઝરી બિલ અને બોન્ડ અથવા ડેટેડ સિકયોરિટીઝ બંને જારી કરે છે. જયારે રાજય સરકારો માત્ર બોન્ડ અથવા ડેટેડ સિકયોરિટીઝ જારી કરે છે જેને સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ (SDLs) કહેવામાં આવે છે. G-Secમાં સામાન્ય રીતે ડિફોલ્ટનું કોઈ જોખમ નથી.

(3:07 pm IST)