Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજ્યસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે વિપક્ષના નેતાનું સ્થાન લેશે

ગુલામનબી આઝાદ નિવૃત્ત થતા જગ્યા ખાલી પડી : કોંગ્રેસે ઉપલા ગૃહના અધ્યક્ષને લેખિતમાં જણાવ્યું, ૧૫ ફેબ્રુઆરીએ ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂર્ણ થશે

નવી દિલ્હી, તા. ૧૨ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળશે.  ગુલામ નબી આઝાદનો રાજ્યસભામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ મલ્લિકાર્જુન ખડગે તેમના સ્થાને વિપક્ષના નેતાની જગ્યા લેશે તેમ કોંગ્રેસે ઉપલા ગૃહના અધ્યક્ષને લેખિતમાં જણાવ્યું હોવાનું સૂત્રો પાસેથી વિગતો મળી છે.

કોંગ્રેસે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડૂને લેખિતમાં જણાવ્યું છે કે, ગુલામ નબી આઝાદની નિવૃતિને પગલે ગૃહમાં વિપક્ષના નેતા તરીકે ખડગેની નિમણૂક કરે. ૧૫ ફેબ્રુઆરીના રોજ આઝાદનો કાર્યકાળ પૂર્ણ થશે. ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના સાંસદ છે. તાજેતરમાં બંધારણની કલમ ૩૭૦નો છેદ ઉડાડી દેવાતા હવે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે જેને પગલે ત્યાં સંસદની બેઠક નથી.

મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના દલિત નેતા છે અને તેઓ ૨૦૧૪થી ૨૦૧૯ સુધી લોકસભામાં કોંગ્રેસના નેતા હતા. દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસની લોકસભામાં કુલ બેઠકોની નિર્ધારિત ૧૦ ટકાથી ઓછી બેઠકો મળતા ગત અને વર્તમાન લોકસભામાં તેને વિપક્ષના નેતાનું પદ મળ્યું નહતું.

(12:00 am IST)