Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રૂપાણી સરકાર પર ફરીથી ઉઠ્યા સવાલ રાકેશ ટિકૈતે કહ્યું- રિમોટ કેન્દ્રના હાથમાં

ટિકૈતે જનસભામાં કહ્યું ગુજરાત કેન્દ્રના કાબૂમાં છે. હવે અમે તેને આઝાદ કરાવીશુ:અગાઉ રાહુલ ગાંધી અને અશોક ગેહલોત લગાવી ચુક્યા છે આ પ્રકારના આરોપ

નવી દિલ્હી : રાજ્યની રૂપાણી સરકાર રિમોટ કન્ટ્રોલથી કામ કરી રહી છે અને આ રિમોટ કેન્દ્રના હાથમાંછે તેવા આરોપો અનેક વખત લાગ્યા છે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ હરિયાણાના બહાદુરગઢમાં ખેડૂતોની સભામાં જણાવ્યું કે ગુજરાત કેન્દ્રના કાબૂમાં છે. હવે અમે તેને આઝાદ કરાવીશુ

2 મહિનાથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે હરિયાણાના બહાદુરગઢમાં જણાવ્યું કે અમે આખા દેશમાં માર્ચ કરીશું અને ગુજરાત જઇ તેને આઝાદ કરાવીશું. તેમનું કહેવુ હતુ કે ભારત આઝાદ છે, પરંતુ ગુજરાતના લોકો કેન્દ્રના કૈદી છે. તેમને કેન્દ્ર નિયંત્રિત કરી રહ્યું છે. જો ત્યાંના લોકો ખેડૂત આંદોલનમાં ભાગ લે છે તો તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે. તેમણે જણાવ્યું હતુ કે ગુજરાત મિશન માટે ટૂંક સમયમાં જ તારીખની જાહેરાત કરવામાં આવશે.

ટિકૈતે જણાવ્યું કે ખેડૂત આંદોલનને વેગ આપવા માટે દેશવ્યાપી માર્ચનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતુ કે જ્યાં સુધી ત્રણ કાળા કાયદા પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી ખેડૂત સરહદ પરથી નહીં જાય. સરકારને એમએસપી પર કાયદો બનાવવો પડશે.

વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ આરોપ લગાવ્યા હતા કે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર કંટ્રોલ કરી રહી છે. 30 નવેમ્બર 2017ના રોજ કોંગ્રેસની સભામાં જૂનાગઢના વિસાવદરમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે ગુજરાત સરકાર રીમોટ કંટ્રોલથી ચાલે છે. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી માત્ર રબર સ્ટેમ્પ છે અને સરકાર ગૃહમંત્રી અમિતભાઈ  શાહ ચલાવે 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતુ કે રિમોટ કંટ્રોલના મુખ્યમંત્રી કોઇ કામ ખુદ નથી કરી શકતા. રૂપાણી ખુદ ભલે એક વ્યક્તિ છે પરંતુ ગૃહમંત્રી અમિતભાઈ  શાહ તેમને રિમોટ પર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે ગુજરાતમાં દારૂબંધીને લઇને પણ રૂપાણી સરકારને આડે હાથે લીધી હતી. તેમણે જણાવ્યું હતુ કે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઇ રહી છે. દારૂબંધીમાં ગુજરાત સદંતર નિષ્ફળ રહ્યું છે. ગુજરાતમાં દારૂ પીવાનું ચલણ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે

(12:52 am IST)