Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

હવે મધ્યમ વર્ગે એકાએક આવી પડેલ મોટી બીમારીના ઈલાજ માટે ઘરે બેસવુ નહિ પડે કે કોઈની પાસે હાથ લાંબો નહિ કરવો પડે...

ગરીબ-મધ્યમ વર્ગ માટે માત્ર ૨ હજારમાં મેડીકલ પોલીસી

સમગ્ર પરિવાર માટે ૫ લાખ સુધીનું વીમા કવચઃ કેશલેસ-પેપરલેસ યોજનાઃ એનએચએ દ્વારા 'ઈન્સ્યોરન્સ પાયલોટ' યોજના તૈયાર : ટૂંકમાં મોદી સરકાર ધડાકાભેર જાહેરાત કરશેઃ ઉંમરની કોઈ સીમા નહિઃ ૧૮ કંપનીઓ ભાગીદાર બનવા-જોડવા તૈયારઃ હાલ ખાનગી વીમા કંપની વર્ષના પ્રિમીયમના ૨૦ - ૨૦ હજાર પડાવે છેઃ દેશમાં માત્ર ૧૨ાા કરોડ લોકો પાસે મેડીકલ પોલીસી હોવાનો પણ ઘટસ્ફોટ

નવી દિલ્હી, તા. ૧૩ :. એકાએક આવેલ બીમારીને કારણે ગરીબ-મધ્યમ વર્ગને પોતાનુ મકાન ગીરવે રાખવાનો કે વેચવાનો વારો આવે છે અને દેશમાં આજે ભયંકર સમસ્યા છે તે દૂર કરવા કેન્દ્ર સરકાર તૂર્તમાં જ નવી ઈન્સ્યોરન્સ પાયલોટ યોજના તૈયાર કરી છે. લોકોને વર્ષે માત્ર ૨ હજારના પ્રિમીયમ ખર્ચ સમગ્ર પરિવાર માટે ૫ લાખ સુધીનો વીમો-મેડીકલ સહાય દર્દના ઈલાજ માટે મળી શકશે. હાલમાં આવી મેડીકલ પોલીસી પાછળ વર્ષે ૧૫ થી ૨૦ હજારનું પ્રિમીયમ ભરવુ પડે છે, પરંતુ કેન્દ્ર સરકારની નેશનલ હેલ્થ ઓથોરીટીની ઈન્સ્યોરન્સ પાયલોટ યોજનામાં સામેલ થવા ૧૮ કંપનીઓએ ઈચ્છા બતાવી છે, રસ દાખવ્યો છે.

દુનિયાની સૌથી મોટી મફત સ્વાસ્થ્ય વીમો યોજના ચલાવી રહેલ એનએચએ આ માટે પ્રાઈવેટ હોસ્પીટલો સાથે રણનીતિ-રિસ્ક તિજોરી બાબતે મંત્રણા પણ પુરી કરી લીધી છે. આ યોજના શરૂ થયે જ ગરીબ-મધ્યમ વર્ગ માટે એકાએક આવનાર મોટી બીમારી માટે હોસ્પીટલોમાં કેશલેસ અને પેપરલેસ સારવાર શરૂ થઈ શકશે.

આજ સુધી દેશમાં માત્ર ૧૨.૫ કરોડ લોકો જ મેડીકલ સુવિધા મેળવી રહ્યા છે. આયુષ્યમાન યોજના દ્વારા ૧૧ કરોડ પરિવારોના લગભગ ૫૦ કરોડ સુધી વીમાનો લાભ પહોંચાડનાર એનએચએનું માનવું છે કે, અત્યંત આધુનિક, મજબુત આઈટી નિયમો, ધોખેબાજી ઉપર નિયંત્રણો અને લેવા-દેવાના પ્રતિબંધની મદદથી માત્ર ૧૫૦૦ - ૨૦૦૦ની મામૂલી રકમવાળી આ યોજના લાવી શકશે.

અત્રે એ નોંધનીય છે કે ભારતના મધ્યમ વર્ગના મોટાભાગના લોકો પાસે મેડીકલ પોલીસી નથી, એકાએક આવનાર બીમારીના ખર્ચને પહોંચી વળવા આ લોકો અસમર્થ હોય છે.

આયુષ્યમાન યોજનામાં સામેલ લાભાર્થીના પરિવારને વર્ષભર ૫ લાખ આરોગ્ય વિમો ઉપલબ્ધ કરાવવા માટે ૯૦૦થી ૯૫૦નો ખર્ચ થાય છે. એની સામે ખાનગી કંપનીઓ વર્ષનું ૧૫ થી ૨૦ હજારનું પ્રિમીયમ પડાવે છે.

સાધનોએ ઉમેર્યુ હતુ કે, આ મહત્વની યોજનામાં ઉંમરની કોઈ સીમા નહીં હોય, પરિવારના તમામ સભ્યો પછી તે ગમે તેટલી ઉંમરના હોય તે તમામને સામેલ કરાશે.

નેશનલ હેલ્થ ઓથોરીટીના ડેપ્યુટી સીઈઓ વિપુલ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, પ્રાથમિક તબક્કે આ યોજનાને 'ઈન્સ્યોરન્સ પાયલોટ' નામ અપાયુ છે અને ગયા વર્ષે જુલાઈમાં આમા ભાગીદારી માટે આજ સુધીમાં ૧૮ ખાનગી કંપનીઓ જોડાવા માટે તૈયાર થઈ છે.

(11:18 am IST)