Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પેરાસિટામોલની દવાના ભાવમાં ૧૨૨ ટકાનો વધારો

એન્ટિબાયોટિક, બ્લડપ્રેશર, તાવ, હૃદયરોગ સહિતની ૪૨ દવાઓના ભાવ વધ્યા

નવી દિલ્હી,તા. ૧૩: કોરોનાકાળમાં લોકો મોતને શરણ થઈ રહ્યાં છે તેમ છતાં નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ જુદી જુદી દવાઓના ભાવમાં સીલિંગના નામે વધારો કરી આપ્યો છે. કુલ ૪૨ દવાઓની કિંમતમાં સીલિંગ કરી આપી છે. પરંતુ તેના કારણે અંતે તો દવાના ભાવમાં વધારો જ આવ્યો છે. લો-હાઈ બ્લડ પ્રેસર, હ્ય્દયરોગ, બ્રેઈન સ્ટ્રોક, તાવ, શરદી, ઉધરસ, પેન્સિલીન, એન્ટિબાયોટિક દવાઓ, કોગળા કરવાના લિકિવડના ભાવમાં એમએલ દીઠ ભાવ વધારી આપ્યા છે. તેના કારણે આ રોગથી પીડાતા દર્દીઓએ વધુ ખર્ચ કરવો પડશે. ફુડ એન્ડ ડ્રગ વિભાગમાં પૂછપરછ કરી તો તેમને આ વિશે કંઈ માહિતી જ નહોતી. ચોક્કસ દવામાં ભાવ વધ્યા હોય તો અરજી કરો, તેવો જવાબ આપ્યો હતો.

તાવ, ઉધરસ અને શરદી માટેની પેરાસિટામોલમાં ૧૨૨ ટકા જેટલો ભાવ વધારો થયો છે. તેવી જ રીતે એજિથ્રોમાઈસીન પણ રૂ.૭,૩૦૦ પ્રતિકિલોથી વધીને રૂ.૧૦,૦૦૦ પ્રતિકિલો સુધીનો ભાવ વધારો આવ્યો છે. જયારે કોરોનાના દર્દીની સારવાર માટે ઉપયોગી દવા આઈવરમેર્કિટનના ભાવમાં ૧૮૮ ટકાનો વધારો કરી પ્રતિકિલો રૂ.૫૨,૦૦૦ના ભાવે વેચાઈ રહી છે. આ તમામ ભાવ વધારો છેલ્લા ચાર માસમાં થયો છે તેવોે દાવો કરતા કોંગ્રેસે કહ્યું છે કે ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે.

એનપીપીએ કુલ ૪૨ દવાના સિલિંગના નામે ભાવમાં વધારો કરી આપ્યો છે. માથાનો દુઃખાવો, તાવ, શરીરનો દુઃખાવો, છીંક, નાક નીતરવું, આંખમાં પાણી વહેવા સહિતના લક્ષણોમાં વપરાતી પેરાસિટામોલની એક ટેબ્લેટનો ભાવ રૂ.૩.૮૨ કરી આપ્યો છે. દસ ટેબ્લેટની સ્ટ્રીપ માટે રૂ.૩૮.૨૦ ભાવ થયો. જો કે જીએસટી અને ર્સિવસ ટેકસ લાગુ પડે તે મેન્યુફેકચરર કંપનીઓ ઉમેરશે જ.

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલે કહ્યું કે હાર્ટ, બ્લડપ્રેસર, ડાયાબિટીસ, તાવ, શરદી, ઉધરસ, ગેસ, એસિડિટી, મલ્ટી વિટામિન સહિતની દવાઓના એનપીપીએ ભાવ ફિકસ કર્યા છે. મતલબ કે કંપનીઓ આ ભાવ કરતા વધુ ભાવ લઈ શકે નહીં. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન જશુભાઈ પટેલે કહ્યું કે રો-મટીરિયલના ભાવ વધ્યા છે. જેથી એનપીપીએ નોર્મ્સ પ્રમાણે ભાવ વધાર્યા છે. દર વર્ષે ૧૦ ટકા ભાવ વધારો આવે છે.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન મોન્ટુ પટેલે એવો આક્ષેપ કર્યો છે કે કેટલાક તબીબો દવાની પ્રિસ્ક્રિપ્શન લખતી વખતે બ્રાન્ડેડ દવાનું નામ લખે છે જે યોગ્ય ન કહેવાય. તેનાથી દવા ખરીદનાર ગેરમાર્ગે દોરાયને ભટકે છે અને અંતે દવા મળતી નથી. વાસ્તવમાં ડોકટરોએ દવાનું મોલેકયુલ એટલે કે દવાનું જેનરિક નામ લખવું જોઈએ. તેની સામે ગુજરાત મેડિકલ એસો.ના પ્રમુખ ડો.દેવેન્દ્ર પટેલનું કહેવું છે કે ડોકટર પોતાના અનુભવ અને તે બ્રાન્ડની દવાના પરિણામ, અસરના આધારે દર્દી માટે દવા લખતા હોય છે. દ્યણી વખત જેનરિક દવામાં ધાર્યુ પરિણામ મળતું નથી. લોભામણી ઓફર કે અન્ય બાબતોથી દૂર રહેવા અમે સૂચના આપતા હોઈએ છીએ.

  • પેરાસિટામિલોના રો -મટીરિયલમાં ૧૭ માસમાં ૧૨૨ ટકાનો ભાવો વધારો

૧   ઓકટો-ડિસે-૨૦૧૯      રૂ.૨૫૦ -રૂ.૨૭૦ પ્રતિ કિલો

૨   મે-જૂન -૨૦૨૦             રૂ. ૩૬૦-રૂ.૩૯૦ પ્રતિ કિલો

૩   ડિસેમ્બર -૨૦૨૦          રૂ.૪૫૦ -રૂ.૪૮૦ પ્રતિ કિલો

૪   એપ્રિલ -૨૦૨૧             રૂ.૫૮૦-રૂ.૬૦૦ પ્રતિ કિલો

  • એજીથ્રોમાઇસીનના રો -મટીરિયલમાં ૧૭ માસમાં ૩૫ ટકાનો ભાવ વધારો

૧   ડિસેમ્બર-૨૦૧૯     રૂ.૭,૩૦૦ -રૂ.૭,૭૭૦

૨   ડિસેમ્બર-૨૦૨૦     રૂ.૯૫૦૦ -રૂ.૧૦,૨૦૦

૩   એપ્રિલ-૨૧             રૂ.૯,૯૦૦ -રૂ.૧૦,૪૦૦

(10:28 am IST)