Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

શુક્રવારે વડાપ્રધાન મોદી નવી દિલ્હીથી વર્ચ્યઅલ માધ્યમથી ગુજરાતને અનેકવિધ વિકાસકામો લોકાર્પણોની ભેટ આપશે

ગાંધીનગરના નવિનીકરણ પામેલા રેલ્વે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે :મહાત્મા મંદિર, ગાંધીનગરનું નવિનીકરણ પામેલું અદ્યતન રેલ્વે સ્ટેશન અને ૩૧૮ રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટેલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીક હોવાથી નવલું નજરાણું બનશે. :સાયન્સસિટી માં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.૧૬મી જુલાઇ શુક્રવારે બપોરે ૪ કલાકે ગુજરાતના પાટનગર ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ પામેલા રેલ્વે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે મહાત્મા મંદિર, ગાંધીનગરનું નવિનીકરણ પામેલું અદ્યતન રેલ્વે સ્ટેશન અને ૩૧૮ રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટેલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીકમાં હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બનશે.
 પ્રધાનમંત્રી આ સાથે સાયન્સસિટી માં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે. સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોમાં રૂ. ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી, રૂ. ૧ર૭ કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ. ૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચર પાર્કનો લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થશે.
વડાપ્રધાન ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી આ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવવાના છે. ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો શુભારંભ પણ વડાપ્રધાન આ અવસરે કરાવશે.
 પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રસંગે સુરેન્દ્રનગર-પીપાવાવ ર૬૬ કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરીનો લોકાર્પણ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મહેસાણા-વરેઠા (વડનગર સ્ટેશન સહિત)ના ઇલેકટ્રી ફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાર્પણ કરશે.
આ બધા જ લોકાર્પણોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થશે. આ અવસરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ  સાથે ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષપણે જોડાવાના છે

(10:21 pm IST)