Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

બેરોજગારોને રાહત, સરકાર 6 મહિનાનો પગાર આપશે

નવી દિલ્હી : કેન્દ્રીય શ્રમ મંત્રાલય બેરોજગારોને મોટી રાહત આપવા પર વિચારણા કરી રહ્યું છે. નવા પ્રસ્તાવ મુજબ, ઈએસઆઈસી સાથે સંલગ્ન કર્મચારીઓને બેકાર થવાની સ્થિતિમાં 6 મહિના સુધી ભથ્થું આપવામાં આવશે. આ ભથ્થું છેલ્લા પગારના 50 ટકાની બરાબર હશે. હાલ આ રકમ છેલ્લા પગારના 25 ટકાની બરાબર છે. આ ઉપરાંત ભથ્થાની સમય મર્યાદા પણ ત્રણ મહિનાની જ છે.

એટલું જ નહીં આ સ્કીમનો લાભ એક વખત જ લઈ શકાય છે જો કે હવે આ મર્યાદાને પણ સમાપ્ત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ, 20 ઓગસ્ટના રોજ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)ના સભ્યોની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો ઈએસઆઈસીના 3.2 કરોડ સબસ્ક્રાઈબર્સને ફાયદો મળશે.

પીએમઓ દ્વારા આ પ્રસ્વાને લઈને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકોને નોકરી ગુમાવવી પડી છે જેને કારણે સરકાર આ સ્કીમમાં કેટલીક છૂટછાટ આપવા માગે છે જેથી વધારે લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે આ પ્રસ્તાવને પીએમઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. હવે આને ઈએસઆઈસીની બેઠકમાં મંજૂરી માટે રાખવામાં આવશે.

(1:28 pm IST)