Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ પાંચ ડિગ્રી પર પહોંચી ગયોઃ નકી લેકમાં બરફના થર જામ્યા

સહેલાણીઓએ હોટલમાં જ સવારનો સમય પસાર કરવો પડે છે

 

આબુઃ રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ પાંચ ડીગ્રીએ પહોંચતા વહેલી સવારના સુમારે ઠેરઠેર બરફ જામી ગયો હતો. પોલો ગ્રાઉન્ડમાં મોર્નિંગ વોકમાં નીકળતા લોકો પગ થીજી જાય તેવી હાડ થીજવતી ઠંડીને પગલે તાપણીનો સહારો લેવો પડી રહ્યો છે. સહેલાણીઓએ હોટલમાં સવારનો સમય પસાર કરવો પડે છે.

હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ પાંચ ડિગ્રી પર પહોંચી ગયો છે. ત્યારે ગુરુ શિખર પર ઠંડીનું પ્રમાણ અતિશય વધી જવાથી સહેલાણીઓએ હાલાકી ભોગવવી પડી હતી. વહેલી સવારના સુમારે ગુરુ શિખર પર તાપમાન માઈનસ સાત ડિગ્રી જેટલુ ગગડતાં પાણી બરફ થઈ જતા પીવાના પાણી માટે મુશ્કેલી થઈ હતી. જોકે બપોર બાદ બરફ ઓગળતાં પાણી મળ્યુ હતુ અને વાહનો સવારના સુમારે ધક્કા મારીને ચાલુ કરવા પડયા હતા. માઉન્ટ આબુની ખીણમાં ધુમ્મસના કારણે રમણીય દૃશ્ય સર્જાયુ હતું. ત્યારે વિદેશી આવેલા સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીનો અનેરો આનંદ માણી રહ્યા હતા. ત્યારે નકી લેકમાં બરફના થર જામતા સવારના સુમારે બોટીંગ બંધ રહ્યંુ હતું અને બપોરના સુમારે બોટીંગ શરૂ કરવામાં આવ્યુ હતું. માઉન્ટ આબુમાં ઠંડા પવનના સુસવાટા વચ્ચે શીતલહેરને પગલે સહેલાણીઓ ધ્રૂજી ઊઠયા હતા.

(11:22 am IST)