Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

સુદાનના સુરક્ષા દળોએ દેશમાં લશ્કરી બળવા સામે ગુરુવારે રાજધાની ખારતુમના રસ્તાઓ પર ઉતરેલા હજારો પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયરગેસ છોડ્યો

અધિકારીઓ અને તબીબી જૂથના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને એક વિરોધીનું મોત થયું હતું, જયારે હજારો લોકો લશ્કરી બળવા સામે વિરોધ કરવા સુદાનની રાજધાનીની શેરીઓમાં ઉતર્યા હતા

 

ખારતુમઃ સુદાનના સુરક્ષા દળોએ દેશમાં લશ્કરી બળવા સામે ગુરુવારે રાજધાની ખારતુમના રસ્તાઓ પર ઉતરેલા હજારો પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયરગેસ છોડ્યો હતો.

25 ઓક્ટોબરના રોજ સૈન્યએ વડાપ્રધાન અબ્દલ્લા હમડોકની આગેવાની હેઠળની સરકારને હાંકી કાઢી ત્યારથી ખારતુમ અને સુદાનમાં અન્ય સ્થળોએ પ્રદર્શનોની શ્રેણીમાં તાજેતરનો ઘટનાક્રમ છે. અધિકારીઓ અને તબીબી જૂથના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને એક વિરોધીનું મોત થયું હતું, જયારે હજારો લોકો લશ્કરી બળવા સામે વિરોધ કરવા સુદાનની રાજધાનીની શેરીઓમાં ઉતર્યા હતા.

દેશમાં નિરંકુશ રાષ્ટ્રપતિ ઉમર અલ-બશીરની આગેવાની હેઠળના લશ્કરી બળે ત્રણ દાયકાના દમન અને આંતરરાષ્ટ્રીય અલગતા પછી સુદાનને લોકશાહી તરફ આગળ વધવાની પ્રક્રિયાને ઉલટાવી દીધી. એપ્રિલ 2019માં અલ-બશીર અને તેની ઇસ્લામિક સરકારને હટાવવા માટે સૈન્યને ફરજ પાડતા બળવા બાદ આફ્રિકન દેશ લોકશાહીના મુશ્કેલ માર્ગ તરફ આગળ વધી રહ્યો હતો.

અન્ય ડઝનબંધ વિરોધીઓ ઘાયલ થયા

ઓનલાઈન જોવા મળેલા પ્રદર્શનના વીડિયો અનુસાર, ખારતુમ અને તેના જોડિયા શહેર ઓમદુરમનમાં, પ્રદર્શનકારીઓએ વિવિધ સ્થળોએ સરઘસ કાઢ્યા, જેમાં મોટે ભાગે યુવાનો જોવા મળ્યા હતા. દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. અશાંત પશ્ચિમ ડાર્ફુર વિસ્તારમાં પણ પ્રદર્શનો થયા.

ઓનલાઈન જોવા મળેલા વીડિયો અનુસાર, પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયરગેસ છોડવામાં આવ્યો હતો, જેનો સફેદ ધુમાડો જોવા મળે છે. સિવાય વીડિયોમાં જોવા મળે છે કે લોકો સૈનિકો પર પથ્થરમારો કરી રહ્યા છે.

જ્યારે તેઓ શહેરના કેન્દ્રમાં ભેગા થયા, સાક્ષીઓએ જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા: ‘અમારી તમામ શક્તિ સાથે, અમે પેલેસ તરફ જઈ રહ્યા છીએ.’

સુદાન ડૉક્ટર્સ સમિતિના જણાવ્યા અનુસાર, ખારતુમના બહરી જિલ્લામાં, વિરોધી અલ-રીહ મોહમ્મદને પેટમાં ગોળી વાગી હતી અને જ્યારે સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે દારૂગોળા સાથે દખલ કરી ત્યારે તેનું મૃત્યુ થયું હતું.

પ્રદર્શનકારીઓએ સૈન્ય અધિકારીઓને સત્તા પરથી હટાવવા અને સંપૂર્ણ નાગરિક સરકાર સત્તામાં આવવાની માંગ કરી રહ્યા હતા.

સુરક્ષામાં તૈનાત એક અધિકારીનું મોત

લોકશાહી સમર્થક ચળવળ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, ખારતુમમાં રાષ્ટ્રપતિ ભવન તરફ જતા મુખ્ય માર્ગ પર કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટીયરગેસ છોડ્યો હતો. પોલીસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવન પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષામાં તૈનાત એક અધિકારીનું મોત થયું હતું.

જો કે નિવેદનમાં કર્નલ અલી હમદનું મોત કેવી રીતે થયું જણાવવામાં આવ્યું નથી, પરંતુ સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે તેમની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હજુ સુધી પણ સ્પષ્ટ નથી થયું કે વિરોધ હુમલાને પ્રદર્શન સાથે કોઈ સંબંધ છે કે કેમ.

તખ્તાપલટ બાદ રોજિંદા વિરોધ પ્રદર્શનોમાં 60થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો અન્ય લોકો ઘાયલ થયા છે.

(11:25 am IST)