Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ઓસ્‍કાર વિજેતા હોલીવુડના આ અભિનેતા પર ત્રણ પુરૂષો સાથે જાતીય શોષણ કરવાનો આરોપ

બ્રિટિશ પોલીસે કેવિન વિરૂધ્‍ધ ત્રણ પુરુષોનું જાતીય શોષણનો કેસ નોંધ્‍યો છે

લંડન,તા. ૧૪: હોલિવૂડ એક્‍ટર કેવિન સ્‍પેસી વિશે મોટા સમાચાર સામે આવ્‍યા છે. બ્રિટિશ પોલીસે કેવિન વિરુદ્ધ ત્રણ પુરુષોનું જાતીય શોષણનો કેસ નોંધ્‍યો છે. ૬૨ વર્ષીય કેવિન સ્‍પેસીને ગુરુવારે લંડનની કોર્ટમાં હાજર રહેવું પડશે.લંડનની મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ‘કેવિન સ્‍પેસી ફાઉલર પર સોમવારે, ૧૩ જૂને ત્રણ પુરુષોના જાતીય શોષણનો ઔપચારિક આરોપ મૂકવામાં આવ્‍યો હતો. આ સિવાય કેવિન વિરુદ્ધ એક વ્‍યક્‍તિ સાથે તેની ઈચ્‍છા વિરુદ્ધ સેક્‍સ્‍યુઅલ એક્‍ટિવિટી કરવાનો પણ કેસ નોંધવામાં આવ્‍યો છે. આ કેસમાં કેવિને ગુરુવારે સવારે ૧૦ વાગ્‍યે વેસ્‍ટમિન્‍સ્‍ટર મેજિસ્‍ટ્રેટ કોર્ટમાં હાજર થવું પડશે.

કેવિન સામેના આરોપો માટે પોલીસ દ્વારા એકત્ર કરાયેલા તમામ પુરાવાઓની હવે સમીક્ષા કરવામાં આવશે, ૨૦૦૫માં કેવિન પર લંડનમાં એક પુરુષ પર જાતીય શોષણનો આરોપ લાગ્‍યો હતો. ઓગસ્‍ટ ૨૦૦૮ માં, કેવિન પર અન્‍ય પુરુષ પર જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો, અને પછી એપ્રિલ ૨૦૧૩ માં ગ્‍લુસેસ્‍ટરશાયરમાં તેના પર અન્‍ય પુરુષ પર જાતીય શોષણનો આરોપ પણ લાગ્‍યો હતો.

કેવિન સ્‍પેસી એક પ્રખ્‍યાત અમેરિકન અભિનેતા છે. તેમણે ૧૯૮૦માં તેની એક્‍ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. હાર્ટબર્ન અને વર્કિંગ ગર્લ તેમની પ્રથમ ફિલ્‍મો હતી. જોકે, તેને ૧૯૯૫માં ધ યુઝ્‍યુઅલ સસ્‍પેક્‍ટ્‍સ તરફથી ઓળખ મળી હતી. આ ફિલ્‍મ માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્‍કાર એવોર્ડ મળ્‍યો હતો. આ પછી, તેણે ૧૯૯૯ માં આવેલી ફિલ્‍મ અમેરિકન બ્‍યુટીમાં કામ કર્યું અને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્‍કાર એવોર્ડ જીત્‍યો.

(10:39 am IST)