Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મમતા બેનર્જી અને શરદ પવાર વચ્ચે દિલ્હીમાં મુલાકાત :રાષ્ટ્રપતિની ચૂંટણી મામલે ચર્ચા કરી

શરદ પવારે ટ્વિટ કરીને લખ્યું કે, મમતા બેનર્જી આજે મને દિલ્હીમાં મારા નિવાસસ્થાને મળ્યા હતા. અમે અમારા દેશને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે. આ દરમિયાન બંને નેતાઓએ રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ બેઠક લગભગ 20 મિનિટ ચાલી હતી. મીટિંગને લઈને શરદ પવારે ટ્વિટ કરીને લખ્યું કે, મમતા બેનર્જી આજે મને દિલ્હીમાં મારા નિવાસસ્થાને મળ્યા હતા. અમે અમારા દેશને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને બિન-ભાજપ પક્ષોની બેઠક માટે મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા. આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવા માટે, બેનર્જીએ 15 જૂને એક બેઠક બોલાવી છે, જેમાં વિરોધ પક્ષોના નેતાઓને હાજરી આપવા વિનંતી કરવામાં આવી છે. ગયા અઠવાડિયે તેમણે આ અંગે વિપક્ષી પાર્ટીઓના 22 નેતાઓ અને મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ અને રણદીપ સુરજેવાલા પાર્ટી વતી આ બેઠકમાં ભાગ લઈ શકે છે. આ બેઠક તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી દિલ્હીના કોન્સ્ટિટ્યૂશનલ ક્લબમાં યોજશે.

તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને આશા છે કે આ બેઠક સફળ રહેશે. તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બેઠકમાં તમામ 22 નેતાઓ હાજર રહેશે. મમતાએ જે 22 નેતાઓને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનો સમાવેશ થાય છે

(7:21 pm IST)