Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કૃષ્ણગીરી તીર્થ ખાતે સદીના સૌથી મોટા ૧૦ દિવસીય મહાયજ્ઞનો પ્રારંભ

રાષ્ટ્રસંત પૂ. શ્રી ડો. વસંતવિજયજી મ.સા.ની પાવન નિશ્રામાં : દરરોજ ૧ લાખ આહુતિઓ અપાશેઃ દિવ્ય-દુર્લભ ઔષધીઓ અર્પણ થશેઃ દેશમાં સમૃધ્ધી-આરોગ્ય કામના કરાશે

કૃષ્ણગીરી તા. ૧૪: તામિલનાડુના વિશ્વ વિખ્યાત શ્રી પાર્શ્વ પદમાવતી શકિત પીઠધામના શકિત પીઠાધીપતી, વિદ્યાસાગર, મંત્ર શીરોમણી, રાષ્ટ્રસંત ડો. વસંતવિજયજી મ.સા.ની પાવન નિશ્રામાં સદીનો સૌથી મોટો ૧૦ દિવસીય મહાયજ્ઞ આજથી શરૂ થયો છે.

પૂ. ગુરૂદેવ ડો. વસંત વિજયજીની નિશ્રામાં આજે સવારે ૮ વાગ્યે મહાસંકલ્પ સાથે કળશ સ્થાપના દ્વારા આ અલૌકીક મહાયજ્ઞની શરૂઆત થઇ હતી. ત્યારબાદ દેશના વિવિધ ૧૦૬ વૈષ્ણવ તીર્થોથી લાવવામાં આવેલ દિવ્ય કંકુથી પુજા શરૂ થયેલ.૧ કરોડ લક્ષ્મી મંત્રોથી અભિમંત્રીત કંકુ જે દરરોજ ૧૦ લાખ આહુતિયોથી સિધ્ધ દિવ્ય યજ્ઞમાં અર્ચના સાથે પુર્ણ થશે. દેશના પ્રકાંડ ૧૦૮ વિદ્વાન પંડીતો દ્વારા મહાયજ્ઞનો પ્રારંભ થયેલ. આ આયોજન દેશવાસીઓના સુખ, સ્વાસ્થ્ય અને સમૃધ્ધી માટે જન ભાગીદારીથી કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રસંત પૂ. ડો. વસંતગુરૂજીએ જણાવેલ કે આ મહાયજ્ઞમાં મેવા, ઔષધીઓ અને દેશી ગાયના ઘી સહીત દુર્લભ જડીબુટીઓ અર્પણ કરી બપોરે બે વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ૧ લાખ આહુતિઓ મહાયજ્ઞમાં અર્પણ કરાશે. ભગવાન કુબેર દેવ અને ભગવાન ધન્વંતરિને આહુતિઓ આપી દેશમાં સમૃધ્ધી અને આરોગ્યની કામનાની સાથે પ્રાર્થના કરાશે.

પૂ. શ્રીએ વધુમાં જણાવેલ કે સાંજે ૮ વાગે મા લક્ષ્મીજીની મહિમાયુકત ભાગવત કથા મથુરાના શ્રી પ્રણવપુરીજી દ્વારા કરાશે સાથે ભકિત સંગીત યોજાશે. ઉલ્લેખનીય છે કે મહાયજ્ઞની સકારાત્મક ઊર્જા અને અત્યંત દિવ્ય-દુર્લભ સામગ્રીથી ભરેલ દિવ્ય કળશને પણ સિધ્ધ કરવામાં આવશે. 

(2:38 pm IST)