Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જો કે છેલ્લા ૪ વર્ષમાં કોંગ્રેસ સામે અનેક પડકારો ઉભા થયા છે

નેતૃત્વ પરિવર્તનથી કોંગ્રેસમાં આશાનો સંચાર : પક્ષે ફરી તૈયારી શરૂ કરીઃ નવી રણનીતિ ઘડી

નવી દિલ્હી, તા. ૧૪ :. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરીને ભાજપાએ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની નેતાગીરીમાં ભાજપા ગુજરાતમાં પોતાની સત્તા જાળવી રાખવા માંગે છે, પણ ભાજપાના આ ફેરફારમાં કોંગ્રેસને આશાનું કિરણ દેખાઈ રહ્યુ છે. પક્ષે ફરી એકવાર પ્રયત્નો શરૂ કરી દીધા છે. જો કે છેલ્લા ૪ વર્ષમાં પક્ષ સામે પડકારો વધ્યા છે.

૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપાને ઘેરવામાં મહદ્અંશે સફળ રહી હતી. કોંગ્રેસે ૨૦ વર્ષ પછી ૬૦નો આંકડો પાર કરીને ૭૭ બેઠકો મેળવી તો ભાજપાને ૯૯ પર રોકવામાં સ ફળ રહી હતી, પણ કોંગ્રેસ આ સફળતાને વધુ દિવસ જાળવવામાં નિષ્ફળ રહી. લોકસભા ચૂંટણીમાં તે રાજ્યમાં બધી બેઠકો પર હારી ગઈ.

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનમાં રાહુલ ગાંધીની બધા મહત્વપૂર્ણ વર્ગો સુધી પહોંચવાની કોશિષની સાથે ત્રણ યુવાઓની 'તીકડી'એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી સામેલ હતા. જો કે પછી અલ્પેશ ઠાકોર ભાજપામાં જોડાઈ ગયા હતા.

પાટીદાર આંદોલન ખતમ થયા પછી હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડી લીધો. પક્ષે તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા. પણ તેઓ પાટીદાર સમાજમાં પોતાનું મહત્વ જાળવી રાખવામાં બહુ સફળ ના થયા. હાર્દિક ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થયા પણ પક્ષ પાટીદાર વર્ગના વર્ચસ્વવાળી બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યો.

ગુજરાતની ૨૬માંથી લગભગ ૮ બેઠકો એવી છે જ્યાં પાટીદારોની વસ્તી ઘણી બધી છે. હાર્દિક પટેલને પ્રમુખ બનાવવા છતાં તેમાંથી એક પણ કોંગ્રેસ જીતી ના શકી. ત્યાર પછી હાર્દિક સ્થાનિક ચૂંટણીઓમાં પણ પોતાની અસર ના દેખાડી શકયા. પાટીદારોના ગઢ ગણાતા સુરતમાં કોંગ્રેસ પોતાનું ખાતુ સુદ્ધા ના ખોલાવી શકી. પ્રદેશ કોંગ્રેસના એક સીનીયર નેતા કહે છે કે હાર્દિક આવવાથી પક્ષને ફાયદા કરતા નુકશાન વધારે થયું છે. તેના દબાણથી સૌરાષ્ટ્રમાં પક્ષે પટેલ ઉમેદવારોને વધારે મહત્વ આપ્યું, અમે તેની સાથે સાથે જો કોળી સમાજને પણ પ્રતિનિધિત્વ આપ્યું હોત તો કદાચ અમે વધારે સારૂ પ્રદર્શન કરી શકત.

(10:12 am IST)