Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ભુપેન્દ્ર પટેલની ટીમમાં કોણ હશે? કોણ જશે? અટકળોનો દોર

૩ મહિલાઓ સહિત ૨૦ થી ૨૫ સભ્યોનું મંત્રીમંડળ હશેઃ આઠેક પ્રધાનો પડતા મૂકાય તેવી શકયતા : નબળી કામગીરી અને વિવાદ સાથે જોડાયેલાઓની થશે બાદબાકીઃ નવા ચહેરા અને જ્ઞાતિના સમીકરણોને ધ્યાને લઇ થશે પસંદગી

નવી દિલ્હી, તા.૧૪: ગુજરાતમાં નવા મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળતા જ હવે મંત્રીમંડળની રચનાને લઇને અટકળોનો દોર ચાલુ થયો છે. મંત્રી મંડળમાં કોણ હશે કોણ જશે તેની ચર્ચાએ વેગ પકડી છે. ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલુ છે અને એકાદ-બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઇ જવાની ધારણા છે.

આગામી ૨-૩ દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે. જેને લઈને મોટા ભાગના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન આપવામાં આવશે તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. હાલ અટકળોનો દોર ચાલી રહ્યો છે.

એવી માહિતી સામે આવી છે કે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે. સાથેજ યુવાઓને પહેલા તક મળશે તેવી માહિતી પણ સામે આવી છે. જોકે ચાલું મંત્રીમંડળમાંથી અમુક મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે. જેમા ખાસ કરીને જે મંત્રીઓ વિવાદમાં રહેલા છે તે મંત્રીઓને પહેલા પડતા મૂકાશે.

હાલ જે મંત્રીમંડળ છે તેમાથી ૮ જેટલા નેતાઓને હટાવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. જેમા કેટલાક સિનિયર નેતાઓની પણ બાદબાકી થશે. તે સિવાય જે લોકોની કામગીરી નબળી છે તે લોકોને પણ રજા આપી દેવામાં આવશે.

મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં ઝોન વાઈસ જ્ઞાતિના સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવશે અને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું ગઠન કરવામાં આવશે. ત્યારે કયા નવા મંત્રીઓને લેવાની શકયતા છે. સાથેજ કયા મંત્રીઓને યથાવત રાખવામાં આવશે તેની યાદી કઈક આવી છે.

 કોને કોને સ્થાન મળી શકશે

આત્મારામ પરમાર, કિરીટસિંહ રાણા, પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ, જીતુ ચૌધરી, મોહન ડોડીયા, ગજેન્દ્રસિંહ પરમાર, અજમલજી ઠાકોર નાયબ દંડક

કોને સ્થાન યથાવત રહેશે

જયેશ રાદડિયા, ગણપત વસાવા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, જયદ્રથસિંહ પરમાર

હવે નવા મંત્રીંમંડળની રચનાથી માંડીને વિસ્તરણમાં કોણ કોણ હશે તેની ચર્ચા શરૂ થઇ જવા પામી છે. હાલના મંત્રીમંડળમાં રહેલી સંખ્યા કરતાં વધુ એટલે કે ૨૦થી ૨૫નું થાય તેવી શકયતાઓ છે. એટલું જ નહીં પરંતુ આ મંત્રીમંડળના નામોથી માંડીને નવા મંત્રીઓની શપથવિધિ આગામી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા મંત્રીમંડળમાં વધુ મહિલાઓને સ્થાન મળે તેવી શકયતા સેવાઇ રહી છે. મતલબ કે ત્રણથી વધુ મહિલાઓને સમાવવામાં આવે તેવી સંભાવના રહેલી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ સાથે નવનિયુકત મુખ્યમંત્રી સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક યોજાઇ હતી.

હાલના મંત્રીમંડળમાંથી નીતિન પટેલ, ભૂપેન્દ્રસીંહ ચુડાસમા તથા વિભાવરીબેન દવેને પડતા મૂકવામાં આવે તેવી શકયતા દેખાઇ રહી છે. નીતિન પટેલને રાજયપાલ તરીકે તથા ભૂપેન્દ્રસીંહને વિધાનસભાના અધ્યક્ષ તરીકે મૂકવામાં આવે તેવી અટકળો વહેતી થઇ છે. જયારે કૌશિક પટેલ નાદુંરસ્ત તબિયતના કારણે તેઓને દૂર કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. તેની સામે સૌરભ પટેલ, પ્રદિપસીંહ જાડેજાનું કદ વધારવામાં આવે તથા નવા મંત્રીમંડળમાં હાલના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત નવા ચહેરાઓ તથા જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

નવા મંત્રીમંડળમાં ત્રણેક મહિલાઓને સ્થાન આપવામાં આવે જેમાં મનીષાબેન વકીલ, સંગીતાબેન પાટીલ, ડો. નીમાબેન આચાર્ય તથા ચોર્યાસીના મહિલા ધારાસભ્યનું નામ ચર્ચામાં છે.

(10:15 am IST)