Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વેપારનું ગળું ઘોંટાશે... ઉદ્યોગને હવે સર્વિસનું રિફંડ નહી મળે

સુપ્રીમના ઇનપુટ સર્વિસ રિફંડ નહીં આપવાના ચુકાદાથી ઉદ્યોગોના કરોડો જામ થશે : કોરોનાના કપરા કાળ બાદ ફરી બજારમાં સર્જાયેલી રોકડની અછત આ નિર્ણયથી વધુ ઘેરી બનવાની શકયતા

નવી દિલ્હી તા. ૧૪ : ઉદ્યોગો દ્વારા લેવામાં આવતી કોઇ પણ પ્રકારની સર્વિસનું રિફંડ નહીં આપવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે. તેના કારણે સૌથી વધુ નુકસાન કાપડ, હીરા અને બાંધકામ ઉદ્યોગને થવાનું છે. જયારે અન્ય ઉદ્યોગોને પણ ર્સિવસનું રિફંડ બેંક ખાતામાં જમા મળતું હોવાના લીધે રોકડની સમસ્યા સર્જાતી નહોતી. જયારે આગામી દિવસોમાં બજારમાં રોકડની અછતની ફરી બૂમ ઊઠવાની પણ શકયતા રહેલી છે.

ઉદ્યોગ દ્વારા લેવામાં આવતી કોઇ પણ પ્રકારની ર્સિવસને ચોપડે બતાવવામાં આવે તો તેના માટે કરાયેલા ખર્ચ અને તે પેટે ચૂકવવામાં આવેલા જીએસટી પૈકી ઉદ્યોગકારને નિયમ પ્રમાણે ર્સિવસનું રિફંડ મળતું હોય છે. જેથી ઉદ્યોગકાર દ્વારા જીએસટી વિભાગમાં રિફંડ માટેની અરજી કરે તો તેને મંજૂરી મળ્યા બાદ ઉદ્યોગકાર અથવા તો વેપારીના ખાતામાં નાણાં જમા થઇ જતા હોય છે. જયારે સુપ્રીમ કોર્ટે ર્સિવસ માટે અપાતું રિફંડ નહીં આપવાનો ચુકાદો આપ્યો છે. તેના લીધે વેપારીના કરોડો રૂપિયા જામ થવાની શકયાતા રહેલી છે. જયારે બજારમાં પણ રોકડની અછત સર્જાવાની વાત જાણકારો કરી રહ્યા છે.

ઇનપુટ સર્વિસ એટલે શું ?

કોઇ વેપારી કે ઉદ્યોગકાર દ્વારા જોબવર્ક કરાવવામાં આવે અથવા તો ર્સિટફિકેટ લેવામાં આવે તો તે માટે ચૂકવવામાં આવેલા ચાર્જને ચોપડા પર બતાવવામાં આવતો હતો. આ ઉપરાંત સીએ અથવા એકાઉન્ટન્ટને ચૂકવવામાં આવતી રકમને પણ ચોપડા પર બતાવી શકાતી હતી. જેથી વેપારીને આવી નાની નાની રકમ બતાવે તો પણ સારી એવી રકમનું રિફંડ પહેલા બેંક ખાતામાં જમા થતંુ હતું જયારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે બેંક ખાતામાં જમા થતું રિફંડ મળશે નહીં. તેના બદલે વેપારીના ઇલેકટ્રોનિક લેઝરમાં આ રકમ દેખાશે. તે રકમનો ઉપયોગ ફકતને ફકત ટેકસ ભરપાઇ કરવા માટે જ કરી શકાશે. જેથી વેપારીના જ નાણા જોઇ તો શકશે પરંતુ વાપરી નહીં શકે.

બોગસ બિલિંગ વધવાની શકયતા

સર્વિસ રિફંડ નહીં આપવાનો નિર્ણય તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેના લીધે બોગસ બિલિંગના કેસમાં પણ વધારો થવાની શકયતા રહેલી છે, કારણ કે વેપારીઓને ર્સિવસ પેટે મળતું રિફંડ બંધ થવાના લીધે હવે વેપારી ગુડ્ઝની ખરીદી કાગળ પર બતાવીને તે પેટેનું રિફંડ આપવામાં આવે છે, તેનો લાભ લેવાની શકયતા નકારી શકાય તેમ નથી, જેથી આગામી દિવસોમાં બોગસ બિલિંગના કેસમાં વધારો થવાનું પણ જાણકારો કહી રહ્યા છે, કારણ કે વેપારીઓએ પોતાના ગજવામાંથી વધારાના નાણા ચૂકવવાના બદલે બોગસ બિલિંગ કરીને રિફંડનો લાભ લેવાના કિસ્સા પણ વધુને વધુ થવાના છે, જેથી અધિકારીઓએ પણ હવે ખૂબ જ તકેદારી રાખવી પડશે.

બજારમાં નાણાકીય સાઇકલ ખોરવવાની દહેશત

ટેકસ કન્સલ્ટન્ટ પાવન શાહ કહે છે કે, સર્વિસ રિફંડ પહેલા મળતું હોવાના લીધે વેપારીઓની નાણાકીય સાઇકલ યોગ્ય રીતે ચાલતી હતી. કારણ કે રિફંડના નાણામાંથી તેઓ વેપારને વધારવાનું કાર્ય કરતા હતા. જયારે હવે તે નહીં મળવાના લીધે બજારમાં રોકડની અછત થવાની શકયતા રહેલી છે

બેંક ખાતામાં સર્વિસ રિફંડના નાણા જમા નહીં થાય

સીએ અતિત દિલીપ શાહ કહે છે કે, ઇનપુટ સર્વિસ પર પહેલા રિફંડ આપવામાં આવતું હતું. જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા હવે વેપારીઓને બેંક ખાતામાં રિફંડ નહીં મળે પરંતુ તેઓના લેઝરમાં તે પેટેની રકમ જમા બનાવશે. આ રકમ દ્વારા વેપારી પોતાનો ટેકસ ભરી શકશે, પરંતુ પહેલાની જેમ બેંક ખાતામાં રોકડ હવેથી નહીં મળે.

(10:20 am IST)