Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કોરોના રસીને છેતરનાર વેરિએન્ટની સંખ્યા વધી શકે છે

WHOના નિવેદને વધારી ચિંતા

નવી દિલ્હી,તા.૧૪: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વિશેષ દૂત ડો. ડેવિડ નબારોએ કહ્યું કે ભવિષ્યમાં કોરોનાની રસીને છેતરનારા વેરિએન્ટની સંખ્યા વધી શકે છે. તેમણે કહ્યું કે કોરોનાની વિરુદ્ધ હાલ દુનિયામાં યુદ્ધ જારી છે. હકિકતમાં ડેલ્ટા વેરિએન્ટ પર રસીની અસરકારકતા પર રિસર્ચ ચાલી રહ્યા છે. જો કે કેટલાક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા પર રસીની અસરકારકતા ઓછી છે.

ડો. ડેવિડ નબારોએ કહ્યું તે રસીને છેતરનારા વેરિએન્ટની સંખ્યા વધી શકે છે. કેમ કે દુનિયાના મોટા ભાગોમાં હજું પણ રસીકરણ ઓછું થઈ રહ્યું છે. હકિકતમાં તેમણે આ વાત કોરોનાના બૂસ્ટર ડોઝના સંદર્ભમાં કહી છે. તેમણે ભાર મૂક્યો કે અમીર દેશોમાં રસીના બૂસ્ટર ડોઝ માટે હજુ રાહ જોવી જોઈએ. આ સમયે ગરીબ દેશોમાં રસીની પહોંચ જરુરી છે.

ઉલ્લેખનીય છે કે અનેક યૂરોપીય દેશો કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની તૈયારીમાં લાગ્યા છે. જેમાંથી બ્રિટન પણ એક છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ સંગઠન સતત બૂસ્ટર ડોઝ કાર્યક્રમ ન કરવાની અપીલ કરી રહ્યું છે. ભારતમાં પણ ટોપના વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગે કહ્યું હતુ કે રસીની અસર ડેલ્ટાની સામે પણ થઈ રહી છે.  એટલા માટે બૂસ્ટર ડોઝ માટે ઉતાવળ ન કરવી જોઈએ. એક મીડિયા ઈન્ટર્વ્યૂહમાં તેમણે કહ્યું હતુ કે બૂસ્ટર ડોઝ પણ કોરોના સંક્રમણની વિરુદ્ધ કોઈ ગેરન્ટી ન આપી શકે.ત્યારે અમેરિકામાં જો બાયડન પ્રશાસને ઓછી ઈમ્યૂનિટી વાળા લોકો માટે બૂસ્ટર ડોઝની પરવાનગી આપી છે. અમેરિકન સરકારે તમામ દેશવાસીઓ માટે આવતા ૨૦ સપ્ટેમ્બર સુધી નિયોજિત બૂસ્ટર કાર્યક્રમની શરુઆતની જાહેરાત કરી છે. ત્યારે મિન્નેપોલિસમાં મિનેઓસ્ટા યૂનિવર્સિટીના ઈન્ફેકિશયસ ડિસિઝ રિસર્ચ એન્ડ પોલીસી સેન્ટરના ડિરેકટર અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનના સલાહકાર માઈકલ ઓસ્ટહોમનું કહેવું છે કે મારા હિસાબે દુનિયાભરમાં જો સતત કોરોનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો ફરી આ તેજીથી ઘટી જશે અને ફરી આપણે વિન્ટરમાં ઉછાળો જોઈશું. હાલ લોકોએ કોરોનાથી બચવું જોઈએ.

(3:31 pm IST)