Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ઘૂસણખોરી માટે પસંદ કરાઇ રહ્યા છે નવા માર્ગોઃ આતંકવાદીઓએ કાશ્મીર માટે બદલાવી નીતિ

જમ્મુ તા. ૧૪: પાકિસ્તાન તરફથી આ બાજુ આતંકવાદીઓને ધકેલવાના પ્રયાસોમાં આવી રહેલ ગતિથી ભારતીય સેનાને આશ્ચર્ય નથી પણ ઘૂષણખોરો દ્વારા અપનાવાઇ રહેલ નીતિ, અપનાવાઇ રહેલ નવા રસ્તાઓ અને સાથે લઇ જવામાં આવતા ભારે ભરખમ હથિયારોથી તે પરેશાન છે.

જમ્મુ કાશ્મીરને પીઓકેથી અલગ પાડતી એલઓસી પર ગયા વર્ષે ૮૮ સ્થળો પર થયેલ ૧૦ર અને આ વર્ષે થયેલ ૭૦ જેટલા ઘૂસણખોરીના પ્રયાસોમાં ભલે ડઝનબંધ આતંકવાદીઓ મરાયા હોય પણ આ પ્રયાસોએ ભારતીય સૈન્યના પગ નીચેથી જમીન સરકાવી દીધી છે. કેમકે ઘૂસણખોરો આ વખતે નવા રસ્તાઓ પસંદ કરીને ઘૂસણખોરીના પ્રયાસ કર્યા હતા.

સૈન્ય સુત્રો અનુસાર, ''આતંકવાદીઓએ નીતિ બદલી છે. તેમના દ્વારા ઘૂસણખોરી માટે અપનાવાઇ રહેલા નવા રૂટ અને ગ્રુપમાં આતંકવાદીઓની સંખ્યા ઘટાડવાની નીતિ ચોંકાવનારી છે.'' આ સેકટરમાં એક જ સ્થળે વીસ-પચ્ચીસ આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ નહોતો કર્યો પણ બે થી ત્રણના ગ્રુપમાં અલગ અલગ રસ્તો શોધ્યો હતો.

ઘૂસણખોરોને પાક સેનાએ પ્રેહગામ, પીર પંજાબ અને કેરન સેકટરના જે વિસ્તારોમાંથી આ બાજુ ધકેલ્યા હતા ત્યાં તહેનાત સૈનિકો માટે મુશ્કેલી એ હતી તેઓ પહેલી વાર ઘૂસણખોરોનો સામનો કરી રહ્યા હતા. એટલે જ આતંકવાદીઓ દ્વારા કરાયેલ હુમલાઓમાં કેટલાક જવાનોના મોત થયા હતા. ઘૂસણખોરી માટે પાક સેના હવે રાજૌરી અને પુંચના રસ્તાઓનો પણ ઉપયોગ કરવા લાગી છે.

આની પાછળનો ઉદ્દેશ વધુને વધુ ભારતીય સૈનિકોને ઉલઝાવી રાખવાનો હતો. તેઓ તેમાં સફળ પણ થયા હતા. ભારતીય જવાનો સામે મુશ્કેલી એ આવી હતી કે એક તો આતંકવાદીઓએ દુર્ગમ સ્થળોની પસંદગી કરી હતી અને બીજું તેઓ વિખરાયેલા હતા. આ ઉપરાંત ઘૂસણખોરીમાં એક નવો સુધારો એ આવ્યો છે કે હવે તેઓ પોતાની સાથે મોટા હથિયારો પણ લાવી રહ્યા છે.

(3:31 pm IST)