Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગજબ કહેવાય

ચાર્જિંગ વગર કરી ૧૦૯૯ કીમીની મુસાફરીઃ ઇલેકટ્રીક ટ્રકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી, તા.૧૪: દેશના ઓટો સેકટરમાં ઈલેકિટ્રક વાહનોનો દબદબો ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં અનેક ઈલેકિટ્રક વાહનોને લોન્ચ કરવામાં આવ્યા. જેમાં ઓલા ઈલેકિટ્રક સ્કૂટર પણ સામેલ હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ઈલેકિટ્રક વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. પેટ્રોલ ડીઝલથી છૂટકારો  અપાવવા માટે મોટાભાગની કંપનીઓ પણ હવે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઈલેકિટ્રક વાહનો બનાવવા તરફ વળી રહી છે.

ઈલેકિટ્રક વાહનો ચલાવવામાં સૌથી સારા ગણવામાં આવી રહ્યા છે કારણ કે તેના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી અને વાતાવરણ ચોખ્ખુ રહે છે. ઓટો કંપનીઓ આવનારા સમયને જોતા હવે નવી ઢબે ચીજોને જોવાનું શરૂ કરી રહી છે. આ બધા વચ્ચે એક ઈલેકિટ્રક ટ્રક હાલ ખુબ ચર્ચાનું કારણ બન્યો છે. વાત જાણે એમ છે કે આ ટ્રકે એકવાર ફૂલ ચાર્જ થયા બાદ ૧૦૯૯ કિલોમીટરનું અંતર કાપ્યું અને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો.

જર્મનીની એક ડિલિવરી કંપની ‘DPD’ ના આ ઈલેકિટ્રક ટ્રક ફ્યૂચુરિકમ (Futuricum) ના નામે આ વર્લ્ડ  રેકોર્ડ નોંધાયો છે. બે ડ્રાઈવર્સની મદદથી આ ટ્રકે આટલું લાંબુ અંતર કાપવામાં સફળતા મેળવી. આ અંતર કાપવામાં ટ્રકને ૨૩ કલાકનો સમય લાગ્યો. બંને ડ્રાઈવરે વારાફરતી આ ટ્રકને ચલાવવાનું કામ કર્યું. આ દરમિયાન સરેરાશ ઝડપ ૫૦કિમી પ્રતિ કલાક (૩૧ માઈલ પ્રતિ કલાક) રહી. સોશિયલ મીડિયા પર આ ટ્રકને લઈને અલગ અલગ વાતો થઈ રહી છે.

આ ટ્રક સંપૂર્ણ રીતે અનલોડેડ હતી અને કંપનીએ આ ટ્રકમાં એક વિશેષ ટાયરનો ઉપયોગ પણ કર્યો છે. ફ્યૂચરિકમ બ્રાન્ડની પાછળ કંપની Designwerk Products AG ના સીઈઓ એડ્રિયન મેલિગરે કંપનીની અધિકૃત વેબસાઈટ પર જણાવ્યું કે આ ઈલેકિટ્રક ટ્રકમાં ૬૮૦ કિલોવોટ કલાકની બેટરીની ક્ષમતા છે જે બોર્ડ પર યુરોપમાં સૌથી મોટી ટ્રક બેટરી છે. કંપની દ્વારા કહેવાયું છે કે તેમના ટ્રક સિંગલ ચાર્જમાં વધુમાં વધુ ૭૬૦ કિમી સુધીની મુસાફરી કરવામાં સક્ષમ છે.

(3:32 pm IST)