Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

યુપીમાં ડેન્ગ્યુના કેસ વધતા ૫૦ રૂપિયે લિટર વેચાતું બકરીનું દૂધ ૧૫૦૦ રુપિયા લિટરના ભાવે વેચાવા લાગ્યું

બકરીનું દૂધ પીવાથી પ્લેટલેટ કાઉન્ટ વધે છે તેવી ગેરમાન્યતા ફેલાતા બકરીના દૂધની ડિમાન્ડ વધીઃ મો માગ્યા રૂપિયા આપવા છતાંય નથી મળતું દૂધ : યુપીનું ફિરોઝાબાદ બન્યું ડેન્ગ્યુનું એપિસેન્ટરઃ કેસો વધતા બકરીના દૂધની ડિમાન્ડ વધીઃ ડોકટરોની સલાહઃ બકરીના દૂધથી પ્લેટલેટ કાઉન્ટ વધે છે તેવી માન્યતા પાયાવિહોણી

આગ્રા, તા.૧૪: ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુ ફાટી નીકળતા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. તેમાંય આ તેના એપિસેન્ટર ફિરોઝાબાદમાં તો હાલ એવી હાલત છે કે અહીં બકરીનું દૂધ ૧૫૦૦ રુપિયે લિટર વેચાઈ રહ્યું છે. બકરીના દૂધથી પ્લેટલેટ કાઉન્ટ વધે છે તેવી ગેરસમજને કારણે લોકો તેને ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. જેના કારણે થોડા દિવસ પહેલા ૫૦ રુપિયે લિટર વેચાતા બકરીના દૂધના હાલ ૧૫૦૦ રુપિયા બોલાઈ રહ્યા છે.

ફિરોઝાબાદના સદર બજારમાં ચાની કિટલી ધરાવતા એક વ્યકિતના જણાવ્યા અનુસાર, તેમની પાસે બકરીનું દૂધ ખરીદવા આવનારા લોકોનું પ્રમાણ છેલ્લા એક મહિનામાં ખાસ્સું વધી ગયું છે. ડેન્ગ્યુ વકર્યો છે ત્યારથી બકરીના દૂધની ડિમાન્ડ વધી રહી છે. તેનો ભાવ ૫૦ રુપિયા લિટરથી ૧૫૦૦ રુપિયા લિટર થઈ ગયો છે. જેના કારણે ચાની કિટલી ચલાવતા આ શખસે હાલ માત્ર બકરીનું દૂધ જ વેચવાનું શરુ કરી દીધું છે. નામ ના આપવાની શરતે તેણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોમર્શિયલ ધોરણે બકરીના દૂધનું ઉત્પાદન ના થતું હોવાથી તેનો સપ્લાય ઓછો છે.

શહેરના આદર્શનગર વિસ્તારમાં રહેતા અરવિંદ શર્મા જણાવે છે કે, આયુર્વેદિક દવા આપતા એક શખસે તેમને જણાવ્યું હતું કે, બકરીનું દૂધ પીવાથી ડેન્ગ્યુ સામે રક્ષણ મળે છે. જોકે, જયારે તેમણે પોતાના દૂધવાળાને બકરીના દૂધનો ભાવ પૂછ્યો ત્યારે તેણે ૧૫૦૦ રુપિયા કહેતા તેમના આશ્યર્યનો પાર નહોતો રહ્યો. નવાઈની વાત એ છે કે, હાલ તો ૧૫૦૦ રુપિયા આપતા પણ બકરીનું દૂધ નથી મળી રહ્યું. આ સિવાય નારિયેળ પાણી, કિવી અને પપૈયાના પાંદડાની ડિમાન્ડમાં પણ જોરદાર વધારો થયો છે.

સામાન્ય રીતે બકરીના દૂધની ખાસ ડિમાન્ડ નથી હોતી. અમુક લોકો તેને અંગત વપરાશ માટે મગાવતા હોય છે. આવા રેગ્યુલર કસ્ટમર્સ માટે જ દૂધવાળા બકરીનું દૂધ લાવતા હોય છે. જોકે, ફિરોઝાબાદમાં ડેન્ગ્યુના કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો આવતા બકરીના દૂધની ડિમાન્ડ અચાનક જ વધી ગઈ છે. જેના કારણે શહેરમાં દૂધનો ધંધો કરતા લોકો કમાણી કરવા ગામડાંમાંથી બકરીનું દૂધ લાવી રહ્યા છે, અને તેનું ઉંચી કિંમતે વેચાણ કરી રહ્યા છે.જોકે, બકરીનું દૂધ પીવાથી ડેન્ગ્યુના દર્દીના પ્લેટલેટ કાઉન્ટ વધે છે તેને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. યુપીના આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેકટર એ.કે. સિંદ્યના જણાવ્યા અનુસાર ગાય અને બકરીના દૂધમાં લગભગ સરખા જ પોષક તત્વો હોય છે. જેમને ડેન્ગ્યુના લક્ષણ દેખાતા હોય તેમણે બકરીના દૂધથી સાજા થવાની આશા રાખવાને બદલે ડોકટરની સલાહ અનુસાર દવા લેવી જોઈએ. મચ્છરની ઉત્પત્તિ અટકે તેવા પ્રયાસ કરવા જોઈએ. કારણકે ડેન્ગ્યુ મચ્છરોથી જ ફેલાય છે.

(4:12 pm IST)