Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સરકારનું સમર્થન કરતી ફિલ્મો બનાવવા દબાણઃ નસીરૃદ્દીન શાહ

તાલિબાનોનું સમર્થન કરતા તત્વોની ઝાટકણી કાઢી : પરેશાન કરાશે એવા ડરથી આમિર, સલમાન, શાહરૃખ કોઈ મુદ્દા પર બોલતા ન હોવાનો નસીરૃદ્દીન શાહનો દાવો

મુંબઈ, તા.૧૪ : અફઘાનિસ્તાનમાં તાલિબાનોનુ સમર્થન કરનારા તત્વોની તાજેતરમાં અભિનેતા નસીરૃદ્દીને ઝાટકણી કાઢી હતી. હવે નસીરૃદ્દીને સવાલનો પણ જવાબ આપ્યો છે કે, બોલીવૂડના ત્રણ સુપર સ્ટાર ખાન સલમાન, આમીર અને શાહરુખ કોઈ મુદ્દા પર કેમ નિવેદન આપતા નથી. નસીરનુ કહેવુ છે કે, ત્રણ વતી તો હું બોલી શકું નથી પણ મને લાગે છે કે, તેઓ વિચારતા હશે કે જો અમે કોઈ વાત પર બોલીશું તો તેના કારણે અમને ટાર્ગેટ બનાવવામાં આવશે. તેમની પાસે ગુમાવવા માટે ઘણુ બધુ છે એટલે માત્ર આર્થિક રીતે નહીં પણ તેમની બીજી ઘણી રીતે પરેશાન કરાશે.

નસીરે કહ્યુ હતુ કે, જે પણ લોકો જમણેરી વિચારધારા સામે બોલશે તેમને હેરાન પરેશાન કરાશે તે નક્કી છે. વાત માત્ર મારા પૂરતી સિમિત નથી. બીજાને પણ લાગુ પડે છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોકે હું ક્યારેય ક્ટ્ટરતા કે ભેદભાવનો શિકાર થયો નથી પણ જ્યારે મેં એક્ટિંગ શરૃ કરી ત્યારે મને નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી. જો કે તે વખતે મને ખબર નહોતી કે તેનો ફાયદો થશે કે કેમ. અભિનેતાએ આગળ  કહ્યુ હતુ કે, ફિલ્મ નિર્માતાઓ પર સરકારનુ સમર્થન કરતી ફિલ્મો બનાવા પર દબાણ થઈ રહ્યુ છે. સરકારના પ્રોપોગન્ડા પર ફિલ્મ બનશે તો તેને ક્લીન ચીટ અપાશે તેવુ સાફ કહેવામાં આવે છે.

(7:20 pm IST)