Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

હૈદરાબાદમાં મોટી દુર્ઘટના : મકાન પર બોલ્ડર પડવાથી બાળક સહિત ૮ લોકોનાં મોત

ભારે વરસાદના કારણે એક બોલ્ડર મકાન પર પડતાં સર્જાઈ દુર્ઘટનાઃ ત્રણ અન્ય લોકો પણ ઘાયલ

નવી દિલ્હી,તા.૧૪: તેલંગાણાના પાટનગર હૈદરાબાદ માં મંગળવાર મોડી રાત્રે મોટી દુર્ઘટના બની છે. હૈદરાબાદના બદલાગુડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક બોલ્ડર મકાન પર જઈને પડ્યો. તેના કારણે ઘટનાસ્થળે જ એક બાળક સહિત ૮ લોકોનાં મોત થઈ ગયા. સાથોસાથ ૩ અન્ય લોકો ઘાયલ થયા છે.ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવની કામગીરી ચાલુ છે.

આ પહેલા હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે રવિવારે પણ એક જૂના ઘરનો કેટલોક હિસ્સો ધરાશાયી થઈ જવાના કારણે બે મહિલાઓનાં મોત થયા હતા અને પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બપોરે લગભગ ૧૨:૧૦ વાગ્યે હુસૈનીઆલમમાં બની હતી, જયાં સાત લોકો ઘરમાં હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જયાં બે મહિલાઓનાં મોત થયા હતા. નોંધનીય છે કે, બંગાળની ખાડીમાં ઊભા થયેલા નીચા દબાણનું ક્ષેત્ર સોમવારે ભારે દબાણમાં પરિવર્તિત થયું હતું. તેના કારણે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ આંધ્ર પ્રદેશ, ઓડિશા સહિત આસપાસના અન્ય રાજયોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી. તેલંગાણામાં પણ ભારે વરસાદનો કહેર ચાલુ છે.

(12:38 pm IST)