Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રશિયા ગમે ત્યારે યુક્રેનમાં મોટો હુમલો કરશે : અમેરિકાની ગુપ્તચર એજન્સીની ચેતવણી

રશિયાએ યુક્રેન સરહદે એક લાખ જેટલાં સૈનિકો તૈનાત કરી દીધા હોવાના અહેવાલો

નવી દિલ્હી : અમેરિકાની ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપતા કહ્યું હતું કે રશિયા આગામી એક મહિનામાં યુક્રેનમાં મોટો હુમલો કરે તેવી શક્યતા છે. યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે રશિયાએ યુક્રેન સરહદે એક લાખ જેટલાં સૈનિકો તૈનાત કરી દીધા હોવાના અહેવાલો પણ રજૂ થયા હતા.

અમેરિકાની ગુપ્તચર એજન્સીએ સૈન્યના અધિકારીઓને ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.

સૈન્યના મીડિયા સચિવ જોન કિર્બીએ જણાવ્યું હતું કે ગુપ્તચર વિભાગે સૈન્યને ચેતવણી આપી છે કે યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા યોગ્ય કારણ શોધે છે. આગામી એક મહિનામાં ગમે ત્યારે રશિયા યુક્રેનની સરહદે હુમલો કરશે.
રશિયાએ યુક્રેન તરફ આગળ વધી રહેલા નાટોને પૂર્વ તરફથી હટાવવાની માગણી અમેરિકા સમક્ષ કરી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાને નાટો સૈન્યને હટાવવાની રજૂઆત કર્યા બાદ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે અમારી ધીરજ હવે પૂરી થઈ ગઈ છે. પશ્વિમી દેશોનું લશ્કરી મિશન જો હવે રશિયા માટે ખતરો બનશે તો રશિયા પાસે આક્રમક પગલું ભરવા સિવાયનો કોઈ જ રસ્તો બચશે નહીં. રશિયાએ એકથી વધુ વખત સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે યુક્રેન સહિત બીજા કોઈ પણ પૂર્વ સોવિયેટ દેશોમાં નાટોની તૈનાતી થશે તો એને રશિયા ગંભીરતાથી લઈને કાર્યવાહી કરશે.
અમેરિકાની આગેવાની ધરાવતા નાટો સૈન્યએ તો અગાઉથી જ જાહેરાત કરી દીધી છે કે જો રશિયા યુક્રેન ઉપર આક્રમણ કરશે તો નાટો સૈન્ય યુક્રેનની મદદે આવશે. આ સમયગાળામાં યુક્રેનમાં મોટા સાઈબર હુમલા પણ થયા, જેમાં રશિયન હેકર્સનો હાથ હોવાનો દાવો થઈ રહ્યો છે. આ સાઈબર એટેકમાં કેટલીય સરકારી વેબસાઈટ ઠપ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં રશિયા સંભવતઃ આગામી એક મહિનામાં યુક્રેન ઉપર જમીની સ્તરથી હુમલો કરે એવી દહેશત અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ વ્યક્ત કરી છે.

(12:46 am IST)