Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કર્મચારી કોરોના સંક્રમિત થાય તો ઓફિસ બંધ નહિ થાય

કેન્દ્ર સરકારે જાહેર કરી નવી એસ.ઓ.પી એકાદ- બે લોકો સંક્રમિત મળે તો તેટલો જ ભાગ સેનેટાઇઝ કરવાનો રહેશે : સંખ્યાબંધ કિસ્સા બહાર આવે તો આખી ઇમારત અથવા તેટલો બ્લોક સેનિટાઇઝ કરવો પડશે

નવી દિલ્હી,તા. ૧૫: કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ઓફિસોમાં કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને રોકવા માટે નવી એસ.ઓ.પી જાહેર કરી છે. જે મુજબ હવે કોરોના સંક્રમણના એક કે બે મામલા જ્યાં બહાર આવે છે તો માત્ર તેટલો જ ભાગ સેનિટાઇઝ કરવાની જરૂર રહેશે. જ્યાં છેલ્લા ૪૮ કલાકથી આ કોરોના દર્દીઓની ગતિવિધી રહી હોય.

મંત્રાલયે જાહેર કરેલ એસ.ઓ.પી મુજબ નક્કી કરેલ નિયમાનુસાર સેનિટાઇઝ કર્યા પછી કામકાજ શરૂ કરી શકાશે. જો ઓફિસ કાર્યસ્થળ ઉપર સંખ્યાબંધ લોકોને કોરોના થયાનું બહાર આવે તો સમગ્ર ઇમારત અથવા બ્લોકનું સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા કરવી પડશે  અને ત્યારબાદ જ કામકાજ શરૂ કરી શકાશે.

નવી એસ.ઓ.પી મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા અધિકારીઓ અને કર્મચારીઓ એ આ અંગે પોતાના વરિષ્ઠ અધિકારીને જાણ કરવી જોઇએ અને જ્યાં સુધી તેમનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર ન આવે ત્યાં સુધી તેમણે ઓફિસે જવું જ જોઇએ અને ઘરેથી જ કામ કરવાની છૂટ આપવી જોઇએ.

આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જે ઓફિસો આવતી હોય તે ઓફિસ સંસ્થાનો બંધ રહેશે. જેમને કોરોના લક્ષણો ન હોય તેવા જ કર્મચારીઓ અને મુલાકાતીઓને ઓફિસમાં આવવાની છૂટ આપવી જોઇએ.

નવી એસ.ઓ.પી.માં કોવિડ-૧૯થી બચવાના ઉપાયોનું કડક પાલન કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

દેશમાં કોરોનાથી સંક્રમિત થનારની કુલ સંખ્યા ૧.૦૯ કરોડ થઇ ગઇ છે. જ્યારે કોરોનામુકત થનારની સંખ્યા ૧.૦૬ કરોડની થઇ ગઇ છે. મૃત્યુ પામનારની કુલ સંખ્યા ૧ લાખ ૫૫ હજારથી વધુ છે.

(10:17 am IST)