Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોરોના ટેસ્ટ ડેટામાં ગડબડ : અનેક દર્દીઓના નામ, સરનામા, નંબર ખોટા

ત્રણેય રાજયોમાં અનેક લાભાર્થીઓના મોબાઇલ નંબર સરખા !! : કયાંક તો નંબર અધિકારીઓના નિકળ્યા

જયપુર : કોરોનાથી લડવા સારી વ્યવસ્થાના દાવાઓ વચ્ચે કોરોના તપાસમાં મોટી ગડબડ સામે આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેસ્ટીંગ ડેટામાં ગડબડી સામે આવી છે.

ટેસ્ટ કરાવનાર લોકોના લાંબા લીસ્ટમાં માહિતી ફેક નીકળી હતી. લાપતા લોકોમાં પોઝીટીવ અને નેગેટીવ બંને રિપોર્ટવાળા સામેલ છે. આ રાજયોના સ્વાસ્થ્ય વિભાગ પાસે લાપતા લોકોને ટ્રેક કરવાનું કોઇ સાધન નથી. સાથે જ એ પણ જાણવા ન મળેલ કે પોઝીટીવ લોકોએ પ્રોટોકોલનું પાલન કર્યુ છે કે નહિ.

છત્તીસગઢમાં એવા લગભગ ૩ હજાર કોરોના દર્દીઓ છે. જેનો કોઇ અતો પતો નથી. રાયપુરમાં સૌથી વધુ  ૩૯૨ લોકો ગાયબ છે. તેમાંથી મોબાઇલ નંબર ૯૦૦૦૦૦૦૦૦૦ને તો ફકત રાજધાનીમાં જ ૨૪ દર્દીઓએ નોંધાવ્યો છે. બધા નામ સરનામા અલગ છે. આવી જ રીતે અન્ય નંબર છે જેને ૪ થી પ લોકોએ પોતાનો નંબર હોવાનુ લખાવ્યુ છે. સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે પોલીસની મદદથી કેટલાકની ભાળ મેળવાય છે. જયારે નામ, સરનામું અને મોબાઇલ નંબર જ ખોટા છે ત્યારે ફરીયાદ કોના ઉપર નોંધાવી તેમ રાયપુરના સીએમએચએઓ ડો.મીરા બધેલે જણાવેલ.

રાજસ્થાનમાં લગભગ ૬૦.૫ લાખની કોરોના તપાસમાં ૫૦ હજારનો કોઇ પતો નથી. મોબાઇલ નંબરની તપાસ કરતા આપેલ નંબર વિભાગના જ અધિકારીઓના હોવાનુ માલુમ પડેલ. જયપુર જિલ્લામાં ૧ હજાર પોઝીટીવ લોકોના નામ, સરનામા, મોબાઇલ ખોટા મળ્યા છે. જયપુરમાં ૧૫ હજાર, સીકરમાં ૧૦ હજાર, નાગૌરમાં ૧૨૦૦, ઝાલાવડમાં ૩ હજાર, બુંદીમાં ૬૦, જોધપુર ૪૪૧, અલવર ૨૪૭, બાડમૈર ૭, દૌસા ૧૦૦ અને પ્રતાપગઢ બાંસવાડામાં ૩ હજાર ખોટી માહિતીની પુષ્ટિ થયેલ.

મધ્યપ્રદેશમાં કોરોના વેકસીન લાભાન્વીતોની યાદી બનાવવામાં હજારો ગડબડી સામે આવેલ. સાત લાખ વ્યકિતઓની યાદીમાં ૧,૩૭,૪૫૪ના મોબાઇલ નંબર સરખા નિકળ્યા છે. ૮૩૫૯૮ સ્વાસ્થ્યકર્મીઓો, ૩૨૪૨૨ આવાસવિભાગના, રાજસ્વ ખાતાના ૧૯૭૭, ગૃહવિભાગના ૭૩૩૮ અને પંચાયતી રાજ વિભાગના ૧૧૯ કર્મચારીઓ છે.

આ કારણ છે કે કોરોના વેકસીન ધરાવનાર લોકોને મેસેજ નથી મળી રહ્યા. આ સ્થિતિ સામે આવતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઇન્દોરમાં ૧૭,૬૪૪, જબલપુરમાં ૧૧૭૦૩ અને ભોપાલમાં ૮૩૪૯ મોબાઇલ નંબર એક જેવા મળ્યા છે. એટલુ જ નહી યાદીમાં ૯૨૮૦ એવા નામ છે. જેના પીનકોડ એક સમાન છે. હવે સ્વાસ્થય વિભાગ ગડબડીની તપાસમાં લાગ્યું છે.

(3:11 pm IST)