Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સેન્સેક્સમાં ૬૧૦, નિફ્ટીમાં ૧૫૧ પોઈન્ટનો જંગી ઊછાળો

નાણાંકીય શેરોમાં ખરીદીથી બજારમાં તેજીનો માહોલ : એક્સિસ બેન્કમાં સૌથી વધુ છ ટકાનો ઉછાળો, ICICI, SBI, ઈન્ડસઇન્ડ બેંક, HDFC શેરના ભાવ પણ વધ્યા

મુંબઇ, તા. ૧૫ : વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે નાણાકીય કંપનીઓના શેરમાં ખરીદીને પગલે બીએસઈ સેન્સેક્સ સોમવારે પ્રથમવાર ૫૨,૦૦૦ ની સપાટી ઉપર બંધ રહ્યો હતો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૬૦૯.૮૩ અંક એટલે કે ૧.૧૮ ટકા વધીને ૫૨,૨૩૫.૯૭ ના સ્તર પર બંધ થયો છે. વેપાર દરમિયાન તે ૫૨,૨૩૫.૯૭ ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૫૧.૪૦ પોઇન્ટ એટલે કે ૧.૦ ટકાના વધારા સાથે ૧૫,૩૧૪.૭૦ પોઇન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં એક્સિસ બેક્નમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. તે લગભગ ૬ ટકા વધ્યો હતો. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ, ઈન્ડસઇન્ડ બેંક, એચડીએફસી અને કોટક બેંકના શેરના ભાવ પણ વધ્યા હતા.

          બીજી બાજુ, જે શેરોમાં ઘટાડો થયો હતો તેમાં ડો. રેડ્ડીઝ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચયુએલ અને એશિયન પેઇન્ટ્સનો સમાવેશ થાય છે. આનંદ રાઠી ઇક્વિટી રિસર્ચના વડા નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, એશિયાના અન્ય બજારોમાં, ખાસ કરીને જાપાનમાં સ્થાનિક બજાર પર તેની અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બરમાં જાપાનની અર્થવ્યવસ્થામાં વાર્ષિક ધોરણે ૧૨.૭ ટકાનો વિકાસ થયો હોવાના સમાચાર સાથે, નિક્કી ૨૨૫ એ ત્રણ દાયકાથી વધુમાં પ્રથમ વખત ૩૦,૦૦૦ નો આંક પાર કર્યો છે.  વિકેન્ડ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે ફુગાવામાં નરમાઇએ બજારને અસર કરી. ગયા શુક્રવારે જારી કરાયેલા આંકડા મુજબ, ડિસેમ્બર ૨૦૨૦ માં છૂટક ફુગાવા ૪.૫૯% રહ્યો હતો. આ સતત બીજો મહિનો છે જ્યારે છૂટક ફુગાવાનો દર ૬ ટકાની ટોચમર્યાદાથી નીચે છે. સરકારે આરબીઆઈને ૨ ટકા વધઘટ સાથે ફુગાવો ૪ ટકાના સ્તરે રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. જાપાન અને દક્ષિણ કોરિયાની કોસ્પીને એશિયાના અન્ય બજારોથી ફાયદો થયો. યુરોપના મુખ્ય બજારોમાં ભારતીય સમય પ્રમાણે બપોર પછી ખુલતા પ્રારંભિક ટ્રેન્ડ સકારાત્મક રહ્યો હતો. વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૧.૩૦ ટકા વધીને ૬૩.૨૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

(7:13 pm IST)