Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

આર્જેન્ટિનામાં ’90ના દસકા પહેલી વખત ફુગાવાનો દર 100 ટકાને પાર પહોંચ્યો :ચીજોના ભાવ બમણા

આર્જેન્ટિનાની મુખ્ય બેંક ભાવ વધારાને જોતાં નવી 2000-પેસો (8.13 પાઉન્ડ, 9.9 ડોલર)ના મૂલ્યની બેંકનોટ બહાર પાડશે

આર્જેન્ટિનામાં ’90ના દસકાની શરૂઆતમાં ઉદભવેલી અતિ ફુગાવાની પરિસ્થિતિનો અંત આવ્યા પછી દેશમાં પહેલી વખત ફુગાવાનો દર 100 ટકાની ઉપર પહોંચી ગયો છે. ફેબ્રુઆરીમાં ફુગાવાનો દર વધીને 102.5 ટકા નોંધાયો હોવાનું દેશની સ્ટેટિસ્ટિક્સ એજન્સી દ્વારા જણાવાયું હતું. તેનો મતલબ એ થાય કે 2022થી ઘણી ગ્રાહકવપરાશની ચીજવસ્તુઓના ભાવ બમણાં થઈ ગયા છે. .

આર્જેન્ટિના ઘણાં વર્ષોથી આર્થિક મુશ્કેલીમાં છે અને તેની મોટાભાગની પ્રજા હવે ગરીબીમાં જીવે છે. અન્ન અને અન્ય ઉત્પાદનોની કિંમતની મર્યાદા નિશ્ચિત કરીને સરકાર ભાવવધારાને અંકુશમાં લેવાના પ્રયાસો કરી રહી છે.

પરંતુ, અન્ન અને પીણાં ક્ષેત્રે તાજેતરમાં નાટ્યાત્મક ભાવવધારો જોવા મળ્યો હતો. આ ચીજવસ્તુઓના ભાવમાં જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં 9.8 ટકાનો વધારો નોંધાયો હતો.

આર્જેન્ટિનાના મીડિયાએ જણાવ્યું કે આ વધારો આંશિક રીતે મીટના ભાવમાં ભારે ઉછાળાને કારણે હોઈ શકે. મીટના ભાવ એક મહિનાના ગાળામાં જ લગભગ 20 ટકા વધી ગયા છે. પાણી પુરવઠાની કપરી સ્થિતિ, લાંબા સમય સુધીના હીટવેવ અને અછતની પાક અને પશુધન પર ગંભીર અસર થઈ હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું હતું.

ગયા સપ્ટેમ્બરમાં ભાવવધારાને નિયંત્રણમાં લેવાની માગણી સાથે દેખાવકારોએ દેશના શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજ્યા હતા. ફેબ્રુઆરીમાં આર્જેન્ટિનાની મુખ્ય બેંક દ્વારા જણાવાયું હતું કે ભાવવધારાને જોતાં નવી 2000-પેસો (8.13 પાઉન્ડ, 9.9 ડોલર)ના મૂલ્યની બેંકનોટ બહાર પાડવામાં આવશે.

(7:13 pm IST)