Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કુંભ મેળામાં કોરોના પોઝિટિવ સંતોની સંખ્યા ૪૦ થઇ ગઈ

હરિદ્વારનો કુંભમેળો સુપર સ્પ્રેડર બનવાની સંભાવના : કુંભના કારણે ૧૩ અખાડાઓની છાવણીઓમાં દેશના હજારો સંતો રોકાયા, સંતોના દર્શન કરવા માટે પણ ભીડ

હરિદ્વાર, તા. ૧૫ : હરિદ્વારમાં ચાલી રહેલો કુંભ મેળો સુપર સ્પ્રેડર બની જાય તેવુ જોખમ તોળાઈ રહ્યુ છે. કારણકે અહીંયા રોજ પાંચ થી છ સંતો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં જેમને કોરોના થયો હોય તેવા સંતોની સંખ્યા ૪૦ પર પહોંચી ગઈ છે.

કુંભના કારણે અલગ અલગ ૧૩ અખાડાઓની છાવણીઓમાં દેશભરના હજારો સંતો રોકાયા છે. અહીંયા સંતોના દર્શન કરવા માટે પણ હજારો ભાવિકો રોજ આવી રહ્યા છે. આવા સંજોગોમાં કુંભનગરીમાં મોટા પાયે કોરોના વિસ્ફોટ થવાનો ડર છે. મહાકુંભમાં શાહી સ્નાન બાદ કોરોના સંક્રમિતોની સંખ્યા પણ ઝડપભેર વધી રહી છે.

સંતોના સતત દબાણના કારણે રાજ્ય સરકારે પહેલા તો ખુલ્લામાં છાવણીઓ નાંખવાની અને બાદમાં કથા આયોજનને પણ મંજુરી આપી હતી. સંતોની કોઈ છાવણી કોરોના સંક્રમણમાંથી બાકાત નથી. સૌથી વધારે સંક્રમણ પંચદશનામ જુના અખાડા અને પંચાયતી અખાડા તેમજ શ્રી નિરંજન અખાડામાં છે. જો સંક્રમણ મોટા પાયે ફેલાયુ તો હાલાત બદતર બની શકે છે.

સ્વાસ્થ્ય વિભાગ કુંભ મેળા વિસ્તાર તેમજ રાજ્યની બોર્ડર પર ટેસ્ટિંગ કરી રહ્યુ છે પણ અખાડાઓમાં કોરોના ટેસ્ટ થઈ રહ્યા નથી. જે પણ સંત કોરોના પોઝિટિવ મળ્યા છે તેઓ સામે ચાલીને ટેસ્ટ કરાવવા માટે આવ્યા હતા. શાહી સ્નાનના પગલે સંતોની કોવિડ તપાસ નથી થઈ રહી તેવુ સરકારનુ કહેવુ છે પણ ૧૭ એપ્રિલથી અખાડાઓમાં રેન્ડમ સેમ્પલ લેવાનુ શરુ કરાશે.

(7:45 pm IST)