Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાચૂંટણીની તૈયારી શરૂ : અમેરિકાના દબાણ બાદ સરકાર સક્રિય : રાજકીયદળો સાથે કરાશે વાતચીત

પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સહિતના 7 રાજકીય પક્ષોના ગુપકાર સંગઠને પણ આ વાતચીતમાં સામેલ થવાની તૈયારી દર્શાવી

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર વહેલી તકે જમ્મુ-કાશ્મીરના રાજકીય દળો સાથે વાતચીત શરૂ કરી શકે છે. આ વાતચીત કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અને અહીં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા માટે યોજાશે. જોકે, આ મામલે હજીસુધી કોઈપણ પક્ષને સત્તાવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે, પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સહિતના 7 રાજકીય પક્ષોના ગુપકાર સંગઠને પણ આ વાતચીતમાં સામેલ થવાની તૈયારી દર્શાવી છે.

  જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ 2019ની લોકસભા ચૂંટણી પછી વિધાનસભા ચૂંટણી યોજવાની શક્યતા હતી પરંતુ ચૂંટણી પંચે સુરક્ષા કારણોસર ચૂંટણી યોજવાનો ઈન્કાર કર્યો હતો. કેન્દ્ર સરકારે હવે ચૂંટણી યોજવા મામલે ત્યારે સક્રિયતા દાખવી છે જ્યારે અમેરિકા દ્વારા ભારત પર કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા દબાણ કર્યું છે.

  અમેરિકાના ટોપ બ્યૂરોક્રેટ ડીન થૉમસને કહ્યું કે,'કાશ્મીર એ વિસ્તાર છે, જ્યાં અમે વહેલી તકે સ્થિતિ સામાન્ય થતી જોવા માંગીએ ચીએ. આ દિશામાં અમુક પગલા ભરવામા આવ્યા હોવાનું જોવા મળ્યું છે. જેમકે કેદીઓને મુક્ત કરવા, 4જી સેવા ફરી શરૂ કરવી બાબતો છે. ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી પણ તેનો હિસ્સો રહેશે, આ માટે ભારતને પ્રોત્સાહિત કરીશું.'

(12:00 am IST)