Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

૭૫ દિવસ બાદ મળ્યા સૌથી ઓછા કેસ

૨૪ કલાકમાં ૬૦૪૭૧ કેસઃ ૨૭૨૬ લોકોના મોત : શું કોરોનાની નાગચૂડમાંથી આઝાદ થઇ રહયો છે દેશ? ઘટવા લાગ્યો છે પ્રકોપ

નવી દિલ્હી, તા.૧૫: ભારતમાં હવે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. ૭૫ દિવસ બાદ દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ દ્યટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨૭૨૬ લોકોના મોત થયા છે. જયારે ૬૦ હજાર જેટલા નવા દર્દીઓ નોંધાયા છે. ગઈ કાલે એક દિવસમાં ૭૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જયારે ૩૯૨૧ લોકોના કોરોનાથી મોત થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૬૦,૪૭૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે ૨,૯૫,૭૦,૮૮૧ પર પહોંચી ગયો છે. જેમાંથી ૯,૧૩,૩૭૮ દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૧,૧૭,૫૨૫ દર્દીઓ રિકવર થયા. અત્યાર સુધીમાં ૨,૮૨,૮૦,૪૭૨ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા. મૃત્યુઆંકમાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૪ કલાકમાં ૨૭૨૬ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા. કુલ મૃત્યુઆંક હવે ૩,૭૭,૦૩૧ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં ૨૫,૯૦,૪૪,૦૭૨ લોકોનું રસીકરણ થયું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે સોમવારે દેશભરમાંથી કોરોનાના ૧૭,૫૧,૩૫૮ ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો હવે ૩૮,૧૩,૭૫,૯૮૪ પર પહોંચી ગયો છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓછો થવાની સાથે જ રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં ૯૫ ટકાથી વધુ લોકો ઠીક થઈ ચૂકયા છે. જયારે ફકત ૧.૨ ટકા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

(10:21 am IST)