Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

૧.૩ લાખ કરોડનું નુકસાન

કોરોનાને લીધે દેશમાં લકઝરી હોટેલોની કફોડી દશા

નવી દિલ્હી,તા. ૧૫: દેશમાં હોટેલ અને રેસ્ટોરાં વેપાર કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં એક રહ્યું છે. લોકડાઉન અને આર્થિક મંદીને કારણે આ ક્ષેત્રની આવક અને નફામાં ધરખમ ઘટાડો આવ્યો છે. કોરોના રોગચાળાને કારણે આ ક્ષેત્રના નફામાં નોંધપાત્ર ઘટાડાની સાથે ભારતીય હોટેલ ઉદ્યોગ સંપૂર્ણ વેરવિખેર થઇ ગયો છે. આ ક્ષેત્રને મંદીમાંથી બહાર આવતાં વર્ષો લાગશે, એમ નિષ્ણાંતોનું કહેવું છે.

એપ્રિલ અને મેમાં કોરોનાની બીજી લહેર પિક પર હતી, ત્યારે ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન્સ ઓફ ઇન્ડિયા (FHRAI)એ વડાપ્રધાન મોદીની સરકાર પાસે તત્કાળ મદદ માંગી હતી. ફેડરેશને તેમને લોન અને વ્યાજની ચુકવણી માટે મોરેટોરિયમની અરજ કરતા ભાર દઇને કહ્યું હતુ કે મદદ વગર ક્ષેત્રની હાલત કફોડી થઇ જશે.

હોસ્પિટાલિટી ક્ષેત્રે કડડડભુસ થઇ જશે. ફેડરેશનના વાઇસ પ્રેસિડન્ટ ગુરબક્ષિસ સિંહ કોહલીએ કહ્યુ હતુ કે સમગ વ્યતીત કર્યા વગર સરકારે સ્ટેચ્યુટરી ચાર્જીસ માફ કરવા જોગવાઇ કરવી જોઇએ. ઉદ્યોગની અવગણનાને બદલે એને સહાય કરવી જોઇએ, નહીં ક્ષેત્ર નુકસાનમાંથી બહાર નહીં આવી શકે.

હોટેલ એકિઝકયુટિવ્ઝ અને એનાલિસ્ટોએ ભાર દઇને કહ્યુ હતુ કે વર્તમાન સિનારિયોમાં વ્યાજ સહિત લોન ચુકવવી મુશ્કેલ થઇ ગયું છે.

 પ્રવાસમાં ઘટાડો થવાથી અને આર્થિક મંદીને કારણે દેશમાં લકઝરી હોટેલોની શૃંખલાઓને ભારે નુકસાન થયું છે. ફેડરેશનના જણાવ્યાનુસાર હોટેલ ઉદ્યોગ રોગચાળાને કારણે નાણા વર્ષ ૨૦૨૦-૨૧ માં આવકમાં રૂ. ૧.૩ લાખ કરોડ (૧૭.૪ અબજ)થી વધુનું નુકસાન કર્યું છે.

(10:22 am IST)