Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભારત - ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ ઉપર છવાયા સંકટના વાદળો

પંત સહિત બે ખેલાડીને પોઝીટીવઃ શાસ્ત્રી પણ ઝપટે ચડશે?

રીષભ પંત આઈસોલેશનમાં, ૧૮મીએ બીજો ટેસ્ટ કરાશે : તેની સાથે હનુમા વિહારી અને બુમરાહ પણ યુરો કપનો મેચ જોવા ગયા હતાઃ પંતને પોઝીટીવ આવ્યા બાદ રવિ શાસ્ત્રી સાથે વિમ્બલ્ડનનો ફાઈનલ મેચ અને પરિવાર સાથે ફરવા પણ ગયા હતા

નવી દિલ્હી : ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયા કોરોનાની ઝપટમાં આવી ગઈ છે. વિકેટકીપર રિષભ પંત સહિત ૨ ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમાંથી એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે, જ્યારે પંત આઈસોલેશનમાં છે. ૧૮ જુલાઈના રોજ તેનો બીજો ટેસ્ટ કરાશે. હાલ તેનામાં કોઈ લક્ષણ નથી.

પંતનો કોરોના ટેસ્ટ ૧૦ જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. પંત ૮ જુલાઈના રોજ યુરો કપની સેમિફાઈનલ (ઈંગ્લેન્ડ vs ડેનમાર્ક) જોવા ગયો હતો. પંત સાથે હનુમા વિહારી અને જસપ્રીત બુમરાહ પણ હતા.

પંત પોઝિટિવ આવ્યા પછી ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી ૧૧ જુલાઈના રોજ વિમ્બલ્ડન ફાઈનલ જોવા ગયા હતા. બીજા ખેલાડીઓ પણ પરિવાર સાથે ફરતા જોવા મળ્યા હતા. કોઈને રોકવામાં ન કે ન તો કોઈ પગલાં ભરવામાં આવ્યાં હતા.

ટીમ ઈન્ડિયા ત્રણ અઠવાડિયાના  બ્રેક પર છે. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના અલગ અલગ શહેરોમાં ઘૂમી રહ્યા હતા. આ દરમિયાન આ ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે. ભારતીય મેનેજમેન્ટે હાલ આ ખેલાડીઓના નામનો ખુલાસો કર્યો નથી.

રિપોર્ટ્સ મુજબ જે ખેલાડીઓ સંક્રમિત થયા છે તેઓ તાજેતરમાં ઈંગ્લેન્ડમાં ભીડભાડવાળા વિસ્તારોમાં ઘૂમતા નજરે ચડ્યા હતા. વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, ઈશાંત શર્મા ઉપરાંત અનેક ખેલાડીઓ બહાર ઘૂમતા જોવા મળ્યા હતા. આ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી.

(3:06 pm IST)