Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

નેચરલવર્સ માટે આશીર્વાદરૂપ ડેસ્ટીનેશન

પરવાણુઃ ચારે બાજુ પહાડી ગ્રીનરી, ઠંડી હવા,સુહાના તથા મદમસ્ત મૌસમનો અહેસાસ

હિમાચલમાં શિવાલિક પર્વતમાળા ઉપર પાઇન તથા ઓકના વૃક્ષોનો અખૂટ ભંડારઃ વરસતા અને વિખરાયેલા વાદળોનું અનન્ય આકર્ષણ : ટ્રેકીંગ એડવેન્ચર્સ માટે ઘણાં વિકલ્પો ઉપલબ્ધઃ શોર્ટ-વિકેન્ડ પ્લાન માટે ઉત્તમ કહી શકાય : ફળોના બગીચાઓ, જેમ-જેલી-પેકડ ફુડઝનો અલભ્ય સ્વાદ, કેબલ કાર, ટીંબર ટ્રેલ રીસોર્ટ, નયનરમ્ય ઝરણાં, સૂર્યોદય-સૂર્યાસ્ત, કસોલી, પિંજૌરનું ગાર્ડન વિગેરે જોવા - માણવા લાયક

રાજકોટ તા. ૧પ :.. દેશના મોટાભાગના રાજયોમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે અને ધીમે-ધીમે વરસાદની જમાવટ થતી જાય છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં આવેલ શિવાલિક પર્વતમાળા સાથે સંકળાયેલ પરવાણુ નામનું પ્રવાસન સ્થળ નેચરલવર્સ માટે ખરેખર આશીર્વાદરૂપ છે. ચારે બાજુ પહાડી ગ્રીનટી, ઠંડી હવા, સુહાના તથા મદમસ્ત મૌસમનો અહેસાસ કરવાના પરવાણૂની આસપાસ  પાઇન તથા ઓકના વૃક્ષોનો અખૂટ ભંડાર જોવા મળે છે. વરસતા અને વિખરાયેલા વાદળોનું પણ અનન્ય આકર્ષણ જોવા મળે છે.

કોઇકે સાચું જ કહ્યું છે કે, પર્વતો - પહાડોનંુ સાચુ સૌંદર્ય તો ચોમાસા પછી જ નિખરતું હોય છે. જો કે આમ તો સમગ્ર વર્ષ દરમ્યાન પર્વતો-પહાડો ઉપર વનસ્પતીની વિવિધ પ્રજાતિઓ જોવા મળતી હોય છે. પરંતુ વરસાદ પછી એવું લાગે છે કે જાણે કોઇએ દૂર દૂર સુધી લીલા કલરની મખમલી ચાદર પાથરી દીધી હોય. જયારે સમગ્ર વાદી (પ્રકૃતિ - વિસ્તાર) પાઇનના વૃક્ષોથી મહેકી ઊઠે છે અને ઠંડી - ઠંડી હવા મોસમને ખૂબ સુંદર બનાવી દે છે અને આવા સમયે પરવાણુ ખાતે મૌસમ પણ વારંવાર રંગ બદલતું જોવા મળે છે. અહીં ઘણી વખત અચાનક વાદળા વરસી પડે છે તો કયારેક અચાનક તડકો નિકળી પડે છે. વરસાદ અને તડકાની આંખમિચોલી સતત ચાલતી જ રહે છે. ઘણી વખત આકાશમાં ઇન્દ્ર ધનુષનો નઝારો પણ જોવા મળતો હોવાનું સોલો ફીમેલ ટ્રાવેલર કાયનાત કાજી જણાવી રહ્યા છે.

શિવાલિક પર્વતમાળા ઉપર પાઇન તથા ઓકના વૃક્ષો પુષ્કળ છે. પાઇન ઉપરથી ટપકતું પાણી નાના-નાના અંતરે આવેલ પહાડી મકાનોની ટીનની લાલ છત ઉપર પડે છે ત્યારે કોઇ જલતરંગ વગાડતું હોય તેવો અનુભવ થાય છે. દુર સુધી ફેલાયેલ શિવાલિક પર્વતમાળા તથા વિખરાયેલા વાદળ સાથેનું ભુરૃં આકાશ સહેલાણીઓને સતત આકર્ષે છે. આજથી થોડા વર્ષો પહેલા સુધી પરવાણુ એક શાંત પહાડી ગામ હતું. પરંતુ આજે આ જગ્યા પ્રકૃતિના ચાહકો માટે પસંદગી યુકત બનતી જાય છે. ફરવા જવા માટે શોર્ટ - વિકેન્ડ પ્લાન કરતા હોઇએ તો પરવાણુ જરૂર જઇ શકાય તેમ છે.

પરવાણુ એક રૂટીન ટુરીસ્ટ સ્પોટ નથી,  પરંતુ જે લોકોને ટ્રેકીંગનો શોખ હોય તો તેઓ માટે ચાર કિલો મીટરમાં ફેલાયેલ શિવાલિક પર્વતમાળામાં ટ્રેકીંગના ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે. અહીં ફળોના બગીચાઓ પણ જોવા લાયક છે. અહીંનો મુખ્ય વ્યવસાય ફળો ઉગાડવા તથા તેની સાથે જોડાયેલ ઉત્પાદનો જેવા કે જેમ, જેલી, પેકડ ફુડઝ વિગેરેનું વેચાણ કરવાનો છે.

પરવાણુનું મુખ્ય આકર્ષણ કેબલ કાર છે કે જેના દ્વારા બેઇઝથી ઉપર આવેલ મુખ્ય પર્વત ખાતે બનેલ ટીમ્બર ટ્રેલ રીસોર્ટ સુધી જઇ શકાય છે. આ ટ્રોલીની સહેલ કરતા કરતા નીચે પર્વત-ઘાટીઓમાં પાઇનના વૃક્ષોની વચ્ચે પડતા પાણીના મનમોહક ઝરણાં તથા નદી પણ જોઇ શકાય છે. નજીક - નજીક આવેલ સીઢીનુમા ધાનના ખેતરો (સ્ટેટસ ફાર્મિંગ) માનવીઓની ઉપસ્થિત હોવાનું બતાવે છે, તો સાથે સાથે દુર દુર ટીનની છત સાથેના નાના-નાના રંગબેરંગી પહાડી ઘરો-મકાનો પણ જોવા મળે છે. અહીં પ્રકૃતિના ખોળે રહીને સવારે સૂર્યોદય તથા સાંજે સૂર્યાસ્ત (સનરાઇઝ - સનસેટ) નો પણ અનોખો અનુભવ લઇ શકાય છે.

પરવાણુથી ૩૭ કિલો મીટર જેટલું દૂર કસૌલી આવેલું છે, કે જે બ્રિટીશ સમય દરમ્યાન સુંદર આર્કીટેકચર માટે પ્રખ્યાત હતું જેમાં ચર્ચ, લોઅર મોલ વિગેરેનો સમાવેશ થાય છે. કસૌલી સિવાય પરવાણુથી માત્ર ૧૦ કિલો મીટર દૂર પિંજૌરનું ગાર્ડન આવેલું છે કે જે મુગલ-સ્ટાઇલ ગાર્ડન માટે જાણીતું છે.

ટૂંકમાં અહીં આપણે ઇચ્છીએ તો સરસમજાની જગ્યાનો લ્હાવો માણીને શોર્ટ-વિકેન્ડ પ્લાન અંતર્ગત ઉપરોકત બધાં જ સ્થળોએ ફરવા જઇ શકાય છે. (પ-રર)

પરવાણૂ પહોંચવું કઇ રીતે ? રહેવું કયાં ?

હિમાચલ પ્રદેશના સોલન જીલ્લામાં આવેલ પરવાણૂ ખાતે ચંડીગઢથી ૩૦ કિલો મીટર દૂર રાષ્ટ્રીય રાજમાર્ગ નં. રર ઉપરથી જઇ શકાય છે. આ નાના પહાડી કસબા સુધી રેલ્વે માર્ગ દ્વારા પહોંચી શકાય છે. મીટર ગેજ ઉપર ચાલતી કાલકા-શિમલા ટોય ટ્રેન દ્વારા પરવાનુ પહોંચી શકાય છે. તેની નજીકનું રેલ્વે સ્ટેશન ટકસાલ છે. દેશના મુખ્ય શહેરોમાંથી ચંડીગઢ જવા માટે મોટે ભાગે બસ-ટ્રેન-ફલાઇટ વિગરે પણ મળતા હોય છે. ગુગલ ઉપર સર્ચ કરી શકાય છે. અથવા તો ટ્રાવેલ એજન્ટસની મદદ પણ લઇ શકાય છે.

રહેવા માટે પરવાણૂ ખાતે તથા તેની આજુબાજુ ૯૦૦ રૂપિયાથી માંડીને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની હોટલ કે પછી ગેસ્ટ હાઉસ અવેલેબલ છે. હોટલ્સની કેટેગરી અને ફેસેલીટીઝ મુજબ ટેરીફમાં ફેરફાર હોઇ શકે છે. સીઝન્સ  મુજબ ઘણાં કિસ્સામાં ડીસ્કાઉન્ટ પણ મળતું હોય છે. ઓનલાઇન બુકીંગ કરાવી શકાય છે. ટ્રાવેલ એજન્ટસ દ્વારા પણ પેકેજ બુકીંગ થઇ શકે છે. ગુગલ ઉપર સર્ચ કરીને પણ માહિતી મેળવી શકાય છે. Accommodation in Parwando Himachal

(4:08 pm IST)