Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પંજાબ કોંગ્રેસમાં વિખવાદ ખત્મ નહીં થાય ! સિદ્ધુનું નેતૃત્વ કોઈ કિંમતે મંજૂર નહીં થાય.

સિધ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવાની સંભાવનાથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નારાજ: એક દલિત અને એક હિન્દુ નેતાને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવાશે

નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખત્મ થવાનું નામ નથી લેતો તેવામાં નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.આ વિકલ્પ પર કોંગ્રેસ નેતૃત્વ મન બનાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ થયું તો હિન્દુ સમુદાય અને દલિત સમુદાયને પણ નારાજ ન કરવાના ઉદ્દેશ્યથી એક દલિત અને એક હિન્દુ નેતાને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવી શકે છે.

જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સંભાવનાથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નારાજ છે. કેપ્ટન નથી ઈચ્છતા કે પાર્ટીની કમાન પંજાબમાં સિદ્ધુને આપવામાં આવે. એટલું જ નહીં આ વાતને લઈ પંજાબ કોંગ્રેસના ઘણા અન્ય નેતાઓ પણ નારાજ છે. આ નેતાઓનું કહેવું છે કે સિદ્ધુ વર્ષોથી ભાજપમાં રહીને કોંગ્રેસમાં આવ્યા અને વિશ્વાસપાત્ર નથી, સિદ્ધુનું નેતૃત્વ કોઈ કિંમતે મંજૂર નહીં થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે  નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ બંન્ને જ શીખ જાટ પણ છે. એવામાં બે શીખ જાટ નેતાઓને સરકાર અને પાર્ટી બંન્નેની કમાન સોંપવી કોંગ્રેસ માટે ત્રાસી ખીર પણ સાબિત થઈ શકે છે.

(7:21 pm IST)