Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અફઘાનિસ્તાની ૩૨ મહિલા ફૂટબોલર્સ પાકિસ્તાન પહોંચી

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તાથી ડરનો માહોલ : ખેલાડીઓને તાલિબાન તરફથી સતત ધમકી મળી હતી

નવી દિલ્હી, તા.૧૫ : અફઘાનિસ્તાનની ૩૨ મહિલા ફૂટબોલ ખેલાડીઓ તાલિબાનથી બચીને ગમે તેમ રીતે પરિવાર સાથે પાકિસ્તાન પહોંચી ગઈ છે.

આ ખેલાડીઓને તાલિબાન તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમને દેશની બહાર કાઢવા માટે માનવીય આધાર પર વિઝા આપવામાં આવ્યા હતા અને તેના કારણે તેમનુ પાકિસ્તાન પહોંચવુ શક્ય બન્યુ હતુ.

નેશનલ જુનિયર ટીમની આ ખેલાડીઓને અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે કતાર જવાનુ હતુ. જ્યાં અફઘાન શરણાર્થીઓને ૨૦૨૨ના ફૂટબોલ વર્લ્ડ કપ માટે બનાવાયેલા સ્ટેડિયમમાં રાખવામાં આવ્યા છે. જોકે આ ખેલાડીઓ કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટના પગલે જઈ શકી નહોતી.

પાકિસ્તાની અખબારના અહેવાલ પ્રમાણે તાલિબાનને સત્તા મળી તે બાદ મહિલા ખેલાડીઓ તાલિબાનથી બચવા માટે અફઘાનિસ્તાનમાં સંતાતી ફરી રહી હતી. એ પછી એક એનજીઓ ફૂટબોલ ફોર પીસ દ્વારા પાક સરકાર સાથે મળીને આ ખેલાડીઓને અફઘાનિસ્તાનમાંથી કાઢવાના પ્રયત્નો કર્યા હતા.

મહિલા ખેલાડીઓ પેશાવરથી હવે લાહોર જશે અને તેમને પાક ફૂટબોલ એસોસિએશનના હેડક્વાર્ટરમાં રાખવામાં આવશે.

(7:28 pm IST)