Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

દિલ્હી યુનિવર્સિટીની કમાન યોગેશ સિંહના હાથમાં જશે

કમિટીએ પાંચ આવેદકોના નામની ભલામણ કરી : વર્ષ ૨૦૦૯માં યોગેશ સિંહની નિયુક્તિ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે થઈ હતી

નવી દિલ્હી, તા.૧૫ : દિલ્હી યુનિવર્સિટીની કમાન આરએસએસ સાથે ઘરોબો ધરાવતા દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના વર્તમાન વાઈસ ચાન્સેલર યોગેશ સિંહના હાથમાં જઈ શકે છે. જાણવા મળ્યા મુજબ સર્ચ એન્ડ સિલેક્શન કમિટીએ જે ૫ આવેદકોના નામની ભલામણ કરી હતી તેમાં સિંહનું નામ પણ સામેલ હતું. જોકે એવું પણ કહેવાઈ રહ્યું છે કે, એક જ નામ રાષ્ટ્રપતિ ભવન મોકલવામાં આવ્યું છે અને તે નામ યોગેશ સિંહનું જ છે. સામાન્ય રીતે કમિટી તમામ નામોને રાષ્ટ્રપતિ ભવન મોકલતી હતી. યોગેશ સિંહ આરએસએસના સમર્થનવાળા શિક્ષક સંગઠન ભારતીય શિક્ષણ મંડળ સાથે જોડાયેલા છે. ૨૦૦૯માં યોગેશ સિંહની નિયુક્તિ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે થઈ હતી. તે સમયે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા.

નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનના ચેરમેન કેકે અગ્રવાલના કહેવા પ્રમાણે યોગેશ સિંહની કરિયર અત્યાર સુધી ખૂબ જ સારી રહી છે. પુણે યુનિવર્સિટીમાંથી બીટેક પૂરુ કર્યા બાદ તેમણે એનઆઈટીમાંથી એમટેક પૂરૂ કર્યું હતું.

યોગેશ સિંહ નેતાજી સુભાષ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં ડિસેમ્બર ૨૦૧૪થી જુલાઈ ૨૦૧૭ સુધી ડાયરેક્ટરના પદ પર રહ્યા. ૨૦૦૧થી ૨૦૦૬ના વર્ષ સુધી તેઓ દિલ્હીની ગુરૂ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના ડીન પણ રહી ચુક્યા છે. તેમણે પોતાનું માસ્ટર્સ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં કર્યું છે. તેમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પોતાનું પીએચડી પૂર્ણ કર્યું છે.

દિલ્હી યુનિવર્સિટીમાં ગત ઓક્ટોબર મહિનાથી કોઈ જ રેગ્યુલર વાઈસ ચાન્સેલર નથી. ગત વર્ષે યોગેશ ત્યાગીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમના પર કામ ન કરવાનો આરોપ હતો. ત્યાર બાદ પીસી જોશીને કાર્યવાહક કુલપતિ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આઈઆઈટી સહિત અનેક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય એવી છે જેમાં લાંબા સમયથી કોઈ સત્તાવાર હેડ નહોતા. સરકાર તરફથી નવી નિયુક્તિઓમાં મોડું થઈ રહ્યું હતું.

અનેક વરિષ્ઠ અધિકારીઓના કહેવા પ્રમાણે પીએમઓમાં નિયુક્તિઓ એટલા માટે પણ અટકી પડે છે કારણ કે તેમને તેમની મરજી પ્રમાણેની વિચારધારા ધરાવતો ઉમેદવાર નથી મળતો.

(7:29 pm IST)