Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

આજે દશેરાના દિવસે કાર અને ટુ વ્‍હીલરનું ધૂમ વેચાણ થશેઃ બુકિંગ ગત વર્ષ કરતા ૧૫% વધ્‍યું

પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ છતાં વાહનોનું વેચાણ વધતા ડીલરોમાં ખુશીઃ કારમાં ડિમાન્‍ડ વધુ અને સપ્‍લાય ઓછી,ઈલેક્‍ટ્રિક કારના વેચાણમાં વધારો : ૧૫ લાખથી વધારે અને ૩૦થી ૫૦ લાખ સુધીની કારના બુકિંગ પણ આવી રહ્યાં છે

મુંબઇ,તા. ૧૫: ગત વર્ષ કરતા ચાલુ વર્ષે દશેરાના દિવસે ફોર વ્‍હીલ અને ટુ-વ્‍હીલરના બુકિંગમાં ૧૫ ટકા કરતા વધુનો ઉછાળો આવ્‍યો છે. ડિમાન્‍ડ વધારે છે તેની સામે સપ્‍લાય ઓછી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન થઇ ગયા છતાં ગાડીઓના વેચાણમાં કોઇ ફરક પડયો નથી. ઉલ્‍ટાનું કારના વેચાણમાં ઉછાળો આવ્‍યો છે. જો કે,ᅠડીઝલ કરતા પેટ્રોલ કારનું વેચાણ વધારે જોવા મળી રહ્યું છે. કોરોના બાદ ઓટોમોબાઈલ સેક્‍ટરમાં બુકિંગમાં વધારો થતા ડિલરોમાં ખુશીની લાગણી ફરી વળી છે.
ઓટોમોબાઇલ સેક્‍ટર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્‍યું કે,ᅠએસયુવી કારનું બુકિંગ વધારે છે. લકઝુરિયસ કાર કે જેની કિંમત ૨૦થી ૩૦ લાખની છે તેની પણ ડિમાન્‍ડ છે. ૧૫ લાખથી વધારે અને ૩૦થી ૫૦ લાખ સુધીની કારના બુકિંગ પણ આવી રહ્યાં છે. કાર ઉત્‍પાદન કરતી કંપનીઓ વચ્‍ચે કારના વેચાણને લઇને ગળાકાપ હરિફાઇ ચાલી રહી છે. ઈલેક્‍ટ્રિક કારનું વેચાણ ગત વર્ષે ૧ ટકા જેટલું હતું જે આ વર્ષે વધીને ૩ ટકા સુધીનું થયું છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો હોવા છતાં કાર કે ટુ વ્‍હીલરના વેચાણમાં કોઇ કાપ આવ્‍યો નથી. ઓટોમોબાઇલ સેક્‍ટર તેજી તરફ આગળ વધી રહ્યું છે.
જે પ્રકારે દશેરાના બુકિંગ આવ્‍યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં હજુ ડિમાન્‍ડ વધશે. ઓટોમેટિક સ્‍કૂલ અને બાઈકની કિંમત પણ અત્‍યારે એક લાખ ઉપર જતી રહી છે. તેમ છતાં અમદાવાદમાં ૧૦ લાખની કિંમત સુધીના બાઇકનું પણ વેચાણ થઇ રહ્યું છે. લકઝુરિયસ કારના વેચાણની સાથે ર્મિસડીઝ,ᅠબીએમડબલ્‍યુ,ᅠઓડી ખરીદનાર વર્ગ પણ અમદાવાદમાં મોટો છે. મુંબઇ અને દિલ્‍હીની જેમ અમદાવાદમાં પણ એક કરોડથી ૬ કરોડ સુધીની કાર જોવા મળી રહી છે.

 

(10:26 am IST)