Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ICC T20 વર્લ્ડ કપનું ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન : ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇતિહાસ રચ્યો

173 રન નો ટાર્ગેટ 18.5 ઓવરમાં પૂરો કર્યો: માર્શ અને વોર્નરની તોફાની ઈનિંગે કીવીઝ પાસેથી મેચ છીનવી લીધી: હેઝલવુડે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી

મુંબઈ : ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની તોફાની ઇનિંગ્સના બળે T20 વર્લ્ડ કપ 2021 પર કબજો કર્યો. ન્યૂઝીલેન્ડના 173 રનના પડકારને હાંસલ કરવામાં ઓસ્ટ્રેલિયાને વધારે મુશ્કેલી ન પડી. માર્શ અને વોર્નરની શાનદાર અડધી સદીએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. ઓસ્ટ્રેલિયાની જીતમાં ફાસ્ટ બોલર જોશ હેઝલવુડનો પણ મહત્વનો ભાગ હતો. હેઝલવુડે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે જ એન્ડમ ઝમ્પાએ પણ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને શાનદાર ઇનિંગ રમી હતી. વિલિયમસને 48 બોલમાં 85 રન બનાવ્યા હતા પરંતુ વોર્નર અને માર્શની સામે તેની ઈનિંગ્સ બેફામ સાબિત થઈ હતી. વોર્નર અને માર્શે બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડની જીતની તક છીનવી લીધી હતી.

 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેનો કેપ્ટન એરોન ફિંચ માત્ર 5 રનના  સ્કોર પર ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. આ પછી મિશેલ માર્શ ક્રિઝ પર આવ્યો અને તેણે પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાનો ઈરાદો બતાવી દીધો. માર્શ આવતાની સાથે જ ડેવિડ વોર્નરે પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. બંને બેટ્સમેનોએ માત્ર 35 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ 10 ઓવરમાં 82 રન બનાવ્યા હતા અને આ દરમિયાન ડેવિડ વોર્નરે 34 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. વોર્નર અડધી સદી ફટકારતાની સાથે જ 53 રનના અંગત સ્કોર પર બોલ્ટનો શિકાર બન્યો હતો, પરંતુ માર્શ ક્રિઝ પર જ રહ્યો હતો.

માર્શે તેની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી અને માત્ર 31 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. મિશેલ માર્શ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ જ મેચમાં 32 બોલમાં અડધી સદી ફટકારનાર કેન વિલિયમ્સનનો રેકોર્ડ તોડ્યો હતો. ગ્લેન મેક્સવેલે પણ માર્શ સાથે શાનદાર ઇનિંગ રમી અને સાથે મળીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ T20 વર્લ્ડ કપ જીત અપાવી. હતી

(11:05 pm IST)