Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સતત ૧૦ દિવસથી નથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

લોકો માટે રાહતના સમાચાર : આંતરરાષ્ટ્રીય ધોરણે કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો

નવી દિલ્હી, તા.૧૪ :આંતર્રાષ્ટ્રીય ધોરણે કાચા તેલની કિંમતમાં ઘટાડો થવાને કારણે રાષ્ટ્રીય સ્તર પર પણ કિંમતમાં વધારો જોવા નથી મળ્યો. પાછલા ૧૦ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ જોવા નથી મળ્યો. દેશની રાજધાની દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલના પંપ પર શનિવારના રોજ પેટ્રોલની કિંમત ૧૦૩.૯૭ રુપિયા જ્યારે ડીઝલની કિંમત ૮૬.૬૭ રુપિયા હતી.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનાની ૨૮મી તારીખે પેટ્રોલની કિંમતમાં ૨૦ પૈસાનો વધારો થયો હતો જ્યારે ડીઝલની કિંમતમાં ૨૫ પૈસાનો વધારો થયો હતો. પાછલા થોડા સમયમાં પેટ્રોલની કિંમતમાં ઘણો વધારો નોંધાયો છે, પરંતુ ગત ૧૦ દિવસથી આ વધારા પર બ્રેક વાગ્યો છે. આ કિંમતો કેન્દ્ર સરકાર તરફથી એક્સાઈઝ ડ્યુટી અને પછી રાજ્યની સરકારો તરફથી વેટમાં ઘટાડો કરવાને કારણે ઘટી હતી. પેટ્રોલની કિંમત સ્થિર થઈ તે પહેલા તો તેમાં પ્રતિ લીટર ૮.૧૫ રુપિયાનો વધારો થયો હતો. પેટ્રોલની કિંમત વધી હોવાને કારણે ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ મોંઘો થયો હતો. જેના કારણે ફળો, શાકભાજી અને અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ હતી. દિવાળીના સમયે પેટ્રોલ ડીઝલના ભાવમાં આ પ્રકારે વધારો થવાને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયુ હતું. પેટ્રોલની સાથે સાથે ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. આમ જોવા જઈએ તો પેટ્રોલની સરખામણીમાં ડીઝલનો ઉત્પાદન ખર્ચ વધારે હોય છે. પરંતુ ભારતના રીટેલ માર્કેટમાં પેટ્રોલ મોંઘુ વેચાય છે અને પ્રમાણમાં ડીઝલની કિંમત ઓછી હોય છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં અત્યારે પેટ્રોલની કિંમત ૯૫.૧૧ રુપિયા પ્રતિ લીટર છે અને ડીઝલની કિંમત ૮૯.૧૧ પ્રતિ લીટર છે. નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને દરરોજ સવારે છ વાગ્યે અપડેટ થાય છે. આ ભાવ તમે એસએમએસના માધ્યમથી પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઈલના કસ્ટમર આરએસપી સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અથવા બીપીસીએલના ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકાય છે.

(12:00 am IST)