Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મોરબી પાસેના ઝીંઝુડા ગામેથી ૬૦૦ કરોડનું ૧૨૦ કિલો ડ્રગ્સ ઝડપાયુ

ડ્રગ માફીયાઓ ઉપર સર્જીકલ સ્ટ્રાઇકઃ કચ્છ - સલાયા બાદ હવે મોરબી - માળીયા મીંયાણા પંથકમાંથી કેફી દ્રવ્યનો મોટો જથ્થો ઝડપાતા સનસનાટી : અમદાવાદ એટીએસ અને મોરબી એસઓજી તથા સ્થાનિક પોલીસે બે મકાનમાંથી મોટા પાયે ડ્રગ્સ ઝડપી લીધું: દરગાહના મુંજાવર સહિત ૪ શખ્સોની ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે મોરબી જિલ્લામાંથી પણ ૬૦૦ કરોડનું ૧૨૦ કિલો ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે દરોડો પાડીને બે શખ્સોને ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડયા છે. આ દરોડા અમદાવાદ એટીએસ તથા મોરબી એસઓજી અને સ્થાનિક પોલીસે પાડયો હતો. પોલીસે દરગાહના મુંજાવર સહિત ૪ શખ્સોની ધરપકડ કરી હતી.

ATS અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધા હોવાના પ્રાથમિક અહેવાલ મળે છે,

જોકે આ ઘટના અંગે એટીએસના ડીવાયએસપીએ કંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પોલીસને વધુ એક સફળતા મળી છે. એટીએસ અને મોરબી  પોલીસે ઝીંઝુડા ગામમાં મોડીરાત્રે દરોડો પાડીને બે શખ્સને કરોડો રૂપિયાના માદક પદાર્થના જથ્થા સાથે ઝડપી લીધા છે. આ બન્ને શખ્સો કોણ છે, કેટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે. તે બાબતે એટીએસ અને સ્થાનિક પોલીસના ટોચના અધિકારીઓએ મૌન સેવી લીધું હતું.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વાયા પાકિસ્તાન થઈને માદક પદાર્થ ભારતના અનેક રાજયમાં સપ્લાય થતું હોવાનું સ્પષ્ટ થયા બાદ સ્થાનિક પોલીસ અને એટીએસએ બાતમીદારોનું નેટવર્ક વધારી દેતાં ટૂંકા દિવસોમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. જેમાં આંધ્રપ્રદેશ સહિતના રાજયોના શખ્સોની સંડોવણી ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક નાપાક તત્વોના નામ પણ બહાર આવ્યા હતા. દરમિયાન સ્થાનિક પોલીસ અને એટીએસને વધુ એક સચોટ માહિતી મળી હતી કે, મોરબીથી ૩૫ કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે.

આ અંગે ખરાઈ કર્યા બાદ એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો.

તેમાં કેટલાક ઘરોની તલાશી લેવામાં આવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. જો કે, એટીએસના અધિકારીઓએ હાલ રાત્રિના એક વાગ્યે કામગીરી ચાલાુ હોવાનું અને કુલ કેટલો મુદામાલ પકડાયો છે તે કહેવા અંગે મૌન સેવી લીધું હતું. પરંતુ દેવભૂમિક દ્વારકા પંથકમાંથી જેટલો જથ્થો ઝડપાયો તેનાથી વધુ મુદામાલ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. બે મકાનમાં તલાશી લેવાનું મોડીરાત સુધી ચાલુ રહ્યું હતું

મોડી રાત્રીના એટીએસ અને એસઓજી ટીમે મોટું ઓપરેશન પાર પાડયુ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : ગુજરાતના દરિયાકાંઠે નશીલા પદાર્થો ઉતારી દેશભરમાં તેની સપ્લાય કરી પાડોશી દેશ યુવા ધનને બરબાદ કરવાના નાપાક કાર્ય કરી રહ્યું છે જેમાં અગાઉ દ્વારકા જીલ્લામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ રવિવારે મોડી રાત્રીના મોરબીના ઝીન્ઝુંડા ગામમાં એટીએસ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બે ઘરમાંથી કરોડોના ડ્રગ્સ સાથે ચાર ઇસમોને ઝડપી લેવાયાની માહિતી પ્રાપ્ત થઇ છે.

સૌરાષ્ટ્રમાં ડ્રગ્સનો જથ્થો પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો અને આ અંગે વિવિધ એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી હતી જેમાં ગત રાત્રીના સુમારે મોરબી જીલ્લાના ઝીન્ઝુંડા ગામમાં મોડી રાત્રીના એટીએસ અને એસઓજી ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઝીંઝુડા ગામના બે મકાનમાં દરોડા કરવામાં આવતા કરોડોની કિમતનો ડ્રગ્સનો જથ્થો એજન્સીઓને હાથ લાગ્યો હોવાની માહિતી મળી છે અને બે ઘરમાં દરોડા કરી ૧૨૦ કિલો ડ્રગ્સ જેની અંદાજીત કીમત ૬૦૦ કરોડ થવા પામે છે તેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ચાર ઇસમોને દબોચી લઈને ટીમો રવાના થઇ હતી દ્વારકા જીલ્લામાંથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા બાદ તપાસ ચલાવતા મોરબીનું કનેકશન ખુલ્યું હોય જેથી મોરબીમાં પણ દરોડા કરવામાં આવ્યા હોય તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.

(3:17 pm IST)