Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

પુરી સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાં ભાગદોડ જેવી સ્થિતિ :ઓછામાં ઓછા બે ભક્તો બેભાન થઈ ગયા

પુરી જિલ્લાના હટગડિયા સાહીની રહેવાસી એક મહિલા અને કટક જિલ્લાના પીઠાપુર વિસ્તારની રહેવાસી એક સગીર છોકરી ઈજાગ્રસ્ત

પુરીમાં આવેલ શ્રી જગન્નાથ મંદિરમાં રવિવારે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાયા બાદ ઓછામાં ઓછા બે ભક્તો બેભાન થઈ ગયા છે. આ બંને ભક્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પુરી જિલ્લાના હટગડિયા સાહીની રહેવાસી એક મહિલા અને કટક જિલ્લાના પીઠાપુર વિસ્તારની રહેવાસી એક સગીર છોકરી ઈજાગ્રસ્ત થઈ છે. આ બંનેને અહીંની જિલ્લાની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઈ છે. બંનેની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

મંદિરના એક અધિકારીએ કહ્યું કે, શ્રદ્ધાળુઓ માટે સિંહદ્વારા ખોલાય તે પહેલા જ દ્વારા પાસે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થઈ ગયા હતા, જેના કારણે સ્થિતિ આંશિક વણસી હતી. અધિકારીએ જણાવ્યું કે, શનિવારની રાત્રીએ મકરસંક્રાંતિની વિધિમાં ઘણો સમય લાગ્યો, જેના કારણે રવિવારે સવારે મંદિરના દરવાજા ખોલવામાં થોડો વિલંબ થયો હતો. સિંહદ્વાર ખુલતાની સાથે જ ભગવાનની ‘મંગળા આરતી’ જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી અને આ દરમિયાન બે ભક્તો નીચે પડી ગયા હતા. દરમિયાન પુરીના જિલ્લા મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ મંદિરની મુલાકાત લીધી હતી અને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્ત ભક્તોની મુલાકાત લઈ હાલચાલ જાણ્યા હતા.

 

(12:04 am IST)