Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

સોનામાં વિક્રમજનક તેજીઃ ૧૦ જ દિવસમાં રૂપિયા ૧,૫૯૫નો ઉછાળો

નવેમ્‍બર,૨૦૨૨માં ભાવ રૂપિયા ૫૦,૫૨૨ હતાઃ જે વધીને રૂપિયા ૫૬,૪૬૨ થયા : ૬૦ હજાર રૂપિયા ક્રોસ કરી શકે છે ચાંદીની રૂપિયા ૫૮,૭૫૫થી વધી રૂપિયા ૬૮,૧૧૫ પર પહોંચી ગઈ છે

મુંબઇ,તા. ૧૬: લગ્નની સિઝન શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે સોનાની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વર્ષે અત્‍યાર સુધીમાં સોનાની કિંમતમાં કામકાજના ૧૦ દિવસમાં જ સોનાની કિંમતમાં ૧૦ ગ્રામ દીઠ રૂપિયા ૧૫૯૫નો ઉછાળો આવ્‍યો છે અને નવેમ્‍બર મહિના બાદ ૬૦૦૦ જેટલો વધારો થયો છે.

મળતી માહિતી માહિતી પ્રમાણે ૩૦ ડિસેમ્‍બર,૨૦૨૨ના રોજ ૨૪ કેરેટ સોનાની કિંમત રૂપિયા ૫૪૮૬૭ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ હતી. જે શુક્રવારે ૧૩ જાન્‍યુઆરી,૨૦૨૩ના રોજ રૂપિયા ૫૬,૪૬૨ના ઓલ ટાઈમ હાઈ પહોંચી બંધ હતો. આ અગાઉ ૯ જાન્‍યુઆરીના ઓગસ્‍ટ ૨૦૨૦ના રોજ રૂપિયા ૫૬,૨૫૬ના વિક્રમજનક લેવલ પર પહોંચી છેલ્લે ૫૬,૩૩૬ પર બંધ રહ્યું છે.

જો ૪ નવેમ્‍બરના રોજના ભાવની તુલના કરવામાં આવે તો આ કિંમત રૂપિયા ૫૦,૫૨૨ પર હતો, જે રૂપિયા ૫૬,૪૬૨ પર પહોંચ્‍યા છે. જયારે ચાંદીની વાત કરવામાં આવે તો આ દરમિયાન રૂપિયા ૫૮,૭૫૫થી વધી રૂપિયા ૬૮,૧૧૫ પર પહોંચી ગઈ છે.

હકીકતમાં સોનાની ઝડપ વધવા માટે ટ્રેક તૈયાર થઈ રહ્યો છે. ગોલ્‍ડ આગામી એક વર્ષ સુધી નવી સપાટીએ પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્‍તરે રશિયા-યુક્રેન યુદ્ધ, ભૂ-રાજકિય તણાવ, બજારમાં મંદીની અસર વચ્‍ચે સોનામાં મક્કમ વલણ જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં સોનાની કિંમત રૂપિયા ૬૨,૦૦૦ થી ૬૪૦૦૦ પહોંચી શકે છે.

(11:15 am IST)