Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ટેક્ષ સ્‍કીમનો ગેરલાભ લેનારા નિકાસકારો પર ચાંપતી નજર

૬૦૦ નિકાસકારોના રીફંડની પ્રક્રિયા નથી કરાઇ : ૧૦૦ જેટલા નિકાસકારોએ ગેરકાયદે લાભ લીધો છે

નવી દિલ્‍હી, તા.૧૬ : જીએસટી સત્તાવાળાઓ અનુસાર, નિકાસકારો સરકારની ડયુટી ડ્રો બેક સ્‍કીમનો આઇ જી એસટી હેઠળ રીફંડ લઇને ગેરલાભ લઇ રહ્યા છે જેની તપાસ કરાઇ રહી છે.

આ અંગે માહિતગાર બે અધિકારીઓ અનુસાર, કાપડ, દવાઓ અને ચામડાના લગભગ ૧૦૦ જેટલા નિકાસકારોએ ગેરકાયદેસર રીતે ડબલ લાભ લીધો છે.

એક અધિકારીએ કહ્યું, ‘અમારા ધ્‍યાનમાં આવ્‍યુ છે કે કેટલાક નિકાસકારો આઇ જીએસટી હેઠળ નિકાસ પર રીફંડનો દાવો કરે છે અને તેમાંથી અમુક રકમ પર ડયુટી ડ્રો બેક સીસ્‍ટમ હેઠળ પણ કલેઇમ કરે છે જે ગેરકાયેદસર છે.

એક નિકાસકાર અનુસાર, આ કાર્યવાહીમાં સત્તાવાળાઓએ લગભગ ૬૦૦ નિકાસકારોના લગભગ ૨૦૦૦ થી ૩૦૦૦ કરોડ રૂપિયાના રિફંડ ઓર્ડરો સપ્‍ટેમ્‍બર ૨૦૨૨થી રોકી રાખ્‍યા છે. કેટલાક નિકાસકારોએ વિભીન્‍ન કોર્ટમાં આ બાબતે પીટીશનો પણ કરેલી છે.

એક અધિકારીએ કહ્યું કે આનાથી નિકાસકારોને રીફંડ ઓર્ડર ઇસ્‍યુ કરવામાં વધુ મોડુ થઇ શકે છે. આ અધિકારીએ કહ્યું કે ગેરલાભ લેનારાઓ મોટા ભાગે મુંબઇ, સુરત, લુધીયાણા અને તીરૂપુર આ ચાર શહેરોના છે.

જો નિકાસકારો કસૂરવાર સાબિત થાય તો તેમને જીએસટી સત્તાવાળાઓ શો - કોઝ નોટીસ મોકલશે અને તેમણે ખોટી રીતે મેળવેલ રકમ ૧૮ ટકા વ્‍યાજ અને દંડ સાથે ભરવી પડશે.

(12:17 pm IST)