Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

જથ્‍થાબંધ મોંઘવારી ‘ચોપડે' ઘટી ૪.૯૫%

બજેટ પૂર્વે આર્થિક મોરચે સારા સમાચાર

નવી દિલ્‍હી તા. ૧૬ : ખાણી-પીણીની વસ્‍તુઓ અને ક્રુડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડાના કારણે ડિસેમ્‍બર મહીનામાં જથ્‍થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. જથ્‍થાબંધ કિંમતો પર આધારિત ફુગાવો ડિસેમ્‍બર ૨૦૨૨માં ઘટીને ૪.૯૫ ટકા થયો જે નવેમ્‍બરમાં ૫.૪૫ ટકા હતો. સરકારી ડેટા મુજબ જથ્‍થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો નવેમ્‍બર ૨૦૨૨માં ૫.૪૫ ટકા અને ડિસેમ્‍બર ૨૦૨૧માં ૧૪.૨૭ ટકા હતી. મુખ્‍યરૂપે ખાદ્ય પદાર્થો અને ક્રુડ ઓઇલની કિંમતોમાં થતા ઘટાડાના કારણે આ ઘટાડો નોંધાયો છે. જથ્‍થાબંધ ભાવ સુચકાંક આધારિત ફુગાવો નવેમ્‍બર ૨૦૨૨માં ૫.૮૫ ટકા અને ડિસેમ્‍બર ૨૦૨૧માં ૧૪.૨૭ ટકા હતો.

વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ડિસેમ્‍બર ૨૦૨૨માં ખાદ્યવસ્‍તુઓની નકારાત્‍મક ફુગાવો ૧.૨૫ ટકા અને ઇંધણ તથા વિજળીનો ફુગાવો ૧૮.૦૯ ટકા હતો. સમીક્ષા હેઠળ વિનિર્મિત ઉત્‍પાદોનો ફુગાવો ૩.૩૭ ટકા હતો.

ડિસેમ્‍બર ૨૦૨૨માં ફુગાવાના દરમાં ઘટાડો મુખ્‍યરૂપથી ખાદ્ય પદાર્થો, ખનીજ તેલો, ક્રુડ ઓઇલ તથા પ્રાકૃતિક ગેસ, ખાદ્ય ઉત્‍પાદો, વષાો અને રસાયણો તથા રાસાયણિક ઉત્‍પાદનોની કિંમતોમાં ઘટાડાના કારણે થઇ. સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ ડિસેમ્‍બર ૨૦૨૨માં છુટક મોંઘવારી દર ઓછો થઇને ૫.૭૨ ટકા પર હતો. તેની સાથે જ તે છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછા સ્‍તરે પહોંચ્‍યો છે. નવેમ્‍બર ૨૦૨૨માં છુટક મોંઘવારી દર ૫.૮૮ ટકા હતો. ઔદ્યોગિક ઉત્‍પાદનની વાત કરીએ તો નવેમ્‍બરમાં આઇઆઇપીમાં ૭.૧ ટકાનો વધારો થયો છે. બીજી બાજુ ઓકટોબરમાં ૨૦૨૨માં તે ઘટીને -૦.૪ ટકા પર આવી ગયો હતો.

(3:57 pm IST)