Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

અદાણી ૫ વર્ષમાં જે કમાયા તેનાથી ૫૦ લાખ શિક્ષકોનો ૩ વર્ષ સુધી પગાર ચૂકવી શકાય

ભારતમાં આવકની અસમાનતા

નવી દિલ્‍હી તા. ૧૬ : ભારતમાં ૧ ટકા અમીર લોકો અત્‍યારે દેશની કુલ સંપત્તિના ૪૦ ટકા જેટલી સંપતિ ધરાવે છે. જ્‍યારે દેશની કુલ વસ્‍તીના ૫૦ ટકા નીચલા વર્ગ પાસે માત્ર ૩ ટકા સંપત્તિ જ હોવાનું એક નવા અભ્‍યાસમાં દર્શાવાયું છે. વિશ્વ આર્થિક ફોરમની વાર્ષિક મીટીંગમાં ભારતમાં આર્થિક અસમાનતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરતા ઓકઝાફેમ ઇન્‍ટરનેશનલે કહ્યું કે, ભારતના ૧૦ સૌથી અમીર વ્‍યકિતઓ પર માત્ર પાંચ ટકા ટેક્ષ લગાવવામાં આવે તો તે નાણાથી દેશના દરેક બાળકને શાળામાં પાછા લાવી શકાય.

રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે દેશના એક જ અબજોપતિ ગૌતમ અદાણી ૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન ૧.૭૯ લાખ કરોડ કમાયા છે. જેનાથી દેશના પચાસ લાખ પ્રાથમિક શિક્ષકોને ત્રણ વર્ષ સુધી પગાર ચૂકવી શકાય.

‘સર્વાઇલ ઓફ ધ રીચેસ્‍ટ' નામના આ રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે જો ભારતીય અબજોપતિઓ પર તેમની કુલ સંપત્તિના માત્ર બે ટકા ટેક્ષ લગાવવામાં આવે તો દેશના કુપોષિતો આગામી ત્રણ વર્ષ સુધી પોષણ આપવામાં રૂપિયા ૪૦,૪૨૩ કરોડની મદદ મળે.

રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે દેશના ટોચના ૧૦ અબજોપતિઓ પાસેની સંપત્તિ પર એક વખત જ પાંચ ટકા ટેક્ષ લગાવવામાં આવે તો તે આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલય (૮૬૨૦૦ કરોડ રૂપિયા) અને આયુષ મંત્રાલય (૩૦૫૦ કરોડ રૂપિયા)ના બજેટ કરતા દોઢ ગણું વધારે થાય.

જો ટેક્ષની વાત કરીએ તો જીએસટીના કુલ ૧૪.૮૩ લાખ કરોડની ટેક્ષની આવકના ૬૪ ટકા રકમ દેશની નીચલા વર્ગની ૫૦ ટકા વસ્‍તી ચૂકવે છે અને દેશના ઉપલા વર્ગની ૧૦ ટકા વસ્‍તી માત્ર ૩ ટકા જીએસટી ચૂકવે છે. ઓકઝાફેમે કહ્યું છે કે ભારતમાં અબજોપતિઓની સંખ્‍યા ૨૦૨૦માં ૧૦૨ ટકા હતી જે ૨૦૨૨માં ૧૬૬ થઇ ગઇ છે.

(4:20 pm IST)