Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

૪ દિવસ પહેલા નીકળેલી ગંગા વિલાસ ક્રૂઝ બિહારમાં ફસાઈ

મુસાફરોને નાવડીમાં બેસાડીને બહાર લવાયા : ગંગા નદીમાં પાણીનો પ્રવાહ ઓછો હોવાને કારણે ક્રૂઝ કિનારા સુધી આવી નહોતી શકી : SDRFની ટીમ તૈનાત

છપરા, તા.૧૬ : ચાર દિવસ પહેલા જ વારણસીથી નીકળેલી અને ડિબ્રૂગઢ જવા રવાના થયેલી ગંગા વિલાસ ક્રૂજ બિહારના છપરામાં ફસાઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ડોરીગંજ વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં ગંગા નદીમાં પાણી ઓછું હોવાને કારણે ક્રૂઝને કિનારા સુધી લાવવામાં મુશ્કેલી થઈ રહી હતી. આ સૂચના મળતાની સાથે જ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ હતું. SDRFની ટીમ નાની નાવડીની મદદથી મુસાફરોને ચિરાંદ લાવાવનો પ્રયત્ન કરી રહી છે. આ મુસાફરો ચિરાંદમાં પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોને જોશે અને ભારતીય સંસ્કૃતિની જાણકારી મેળવશે.

ઉલ્લેખનીય છે કે છપરાથી ૧૧ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં ડોરીગંજ બજાર પાસે સ્થિત ચિરાંદ સારળ જિલ્લાનું સૌથી મહત્વપૂર્ણ પુરાતત્વ સ્થળ છે. ઘાઘરા નદીના કિનેરા બનેલા સ્તૂપ આકારના સ્થાપત્યોને હિન્દુ, બૌદ્ધ અને મુસ્લિમ ઈતિહાસ સાથે જોડીને જોવામાં આવે છે. છપરામાં ગંગા વિલાસ ક્રૂઝને નદીમાં પાણી ઓછું હોવાને કારણે કિનારા સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પરંતુ મુસાફરોને ચિરાંગ પહોંચવામાં તકલીફ ના પડે તે માટે જીડ્ઢઇહ્લની ટીમ તરત સક્રિય થઈ ગઈ હતી.

ચિરાંદ છપરાનું એક મહત્વનું સ્થળ છે. મુસાફરોની વ્યવસ્થામાં વ્યસ્ત છપરાના સીઓ સતેન્દ્ર સિંહ જણાવે છે કે, ચિરાંદમાં વિદેશી સહેલાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાટ પર એસડીઆરએફની ટીમ તૈનાત છે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છીય ઘટના બને તો તરત કાર્યવાહી કરી શકાય. પાણી ઓછું હોવાને કારણે ક્રૂઝને કિનારા સુધી લાવવામાં સમસ્યા થઈ રહી હતી, માટે નાની નાવડીની મદદથી મુસાફરોને લાવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખીય છે કે ગંગા વિલાસ ક્રૂઝ બક્સર પહોંચી તો ઢોલ-નગારા વગાડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ક્રૂઝ પર દેશી અને વિદેશી મળીને કુલ ૩૧ મુસાફરો સવાર છે. સુરક્ષા વ્યવસ્થા સાથે મુસાફરો શહેરમાં ફરવા નીકળ્યા અને પછી ક્રૂઝ પર પાછા ફર્યા. નોંધનીય છે કે ગંગા વિલાસ ક્રૂઝ પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ક્રૂઝ હોવાનો દાવો કરવામાં આવે છે.

 

 

(7:34 pm IST)