Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ઉત્તરાખંડના જોશીમઠ જેવી જ અમદાવાદમાં પણ સ્થિતિ : ISRO સ્પેસ એપ્લિકેશન સેન્ટરની રિસર્ચ સ્ટડીમાં ખુલાસો

વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક ગામ પણ ખતરામાં : ગુજરાતના 16 તટીય જિલ્લામાં 10 જિલ્લા ડુબી રહ્યા છે:સૌથી વધુ કચ્છ ડુબી રહ્યુ છે:જામનગર, ભરૂચ અને વલસાડ ડુબી રહ્યુ છે

ઉત્તરાખંડના જોશીમઠ જેવી જ સ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. ISRO સ્પેસ એપ્લિકેશન સેન્ટરની રિસર્ચ સ્ટડીમાં આ ખુલાસો થયો છે. સ્ટડીમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તાર દર વર્ષે કેટલાક સેન્ટીમીટર ડુબી રહ્યા છે.

ISRO સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રતિશ રામક્રિષ્નન અને તેમના સાથીઓએ મળીને આ સંશોધન પેપર બહાર પાડ્યું હતું. જેનું નામ છે- ‘Shoreline Change Atlas of the Indian Coast- Gujarat- Diu & Daman’. ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો દરિયાકિનારો સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. 110 કિલોમીટરનો દરિયાકિનારો ડુબી રહ્યો છે. 49 કિલોમીટરનો દરિયા કિનારો ઝડપથી ડુબી રહ્યો છે.

રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સતત વધતા જળ સ્તર અને જળવાયુ પરિવર્તન તેની પાછળનું મોટુ કારણ છે. કાંપના કારણે ગુજરાતમાં 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. પરંતુ દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે તેની 313 હેક્ટર જમીન ગુમાવી છે.

અન્ય એક સ્ટડી પણ સામે આવી છે. કૃણાલ પટેલ અને તેના સાથીઓએ ગુજરાતના 42 વર્ષના ભૌગોલિક ઇતિહાસનું રિસર્ચ કર્યુ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ દરિયા કિનારો ડુબી ગયો છે. સૌથી વધુ એટલે કે 45.9 ટકા જમીન ડુબી ગઇ છે. કૃણાલ પટેલ અને તેના સાથીઓએ ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વહેચી હતી. 785 કિલોમીટરનો દરિયાઇ વિસ્તાર હાઇ રિસ્ક ઝોનમાં અને 934 કિલોમીટરનો વિસ્તાર મધ્યમથી ઓછા રિસ્ક કેટેગરીમાં વહેચ્યો હતો. આ વિસ્તાર રિસ્ક ઝોનમાં એટલા માટે છે કારણ કે અહી દરિયાઇ જળસ્તર ઝડપથી વધી રહ્યુ છે.

રિસર્ચ અનુસાર ગુજરાતના 16 તટીય જિલ્લામાં 10 જિલ્લા ડુબી રહ્યા છે. સૌથી વધુ કચ્છ ડુબી રહ્યુ છે. તે બાદ જામનગર, ભરૂચ અને વલસાડ ડુબી રહ્યુ છે. જેનું કારણ ખંભાતની ખાડીનું સી સરફેસ ટેંપરેચર 1.50 ડિગ્રી સેલ્સિયસ વધ્યુ છે. સૌરાષ્ટ્રના કિનારા પાસે પારો 1 ડિગ્રી સેલ્સિયસ અને કચ્છની ખાડીમાં 0.75 ડિગ્રી સેલ્સિયસ વધ્યુ છે. તાપમાનમાં આટલો વધારો છેલ્લા 160 વર્ષમાં થયો છે.

1969માં અમદાવાદ જિલ્લાના માંડવીપુરા ગામના 8 હજાર ગ્રામીણ અને ભાવનગર જિલ્લાના ગુંડાલા ગામના 800 લોકોએ વિસ્થાપિત થવુ પડ્યુ હતુ, કારણ કે તેમની ખેતીની જમીન અને ગામનો ભાગ દરિયામાં ડુબી ગયો હતો. સામાજિક કાર્યકર્તા પ્રદ્યુમન સિંહ ચુડાસમા કહે છે અમદાવાદ અને ભાવનગરની જેમ ખંભાતની ખાડીના પશ્ચિમ કિનારા પર વસેલા ગામ પણ ખતરામાં છે. ચોમાસામાં પૂર આવતા હાઇટાઇડના સમયે આ ગામ ખાલી થઇ જાય છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક ગામ પણ આ રીતે ખતરામાં છે. ઉમરગામ તાલુકાના 15 હજાર લોકોનું જીવન અને વેપાર ખતરામાં છે. કારણ કે દરિયાઇ પાણી તેમના ઘરમાં ઘુસી જાય છે. આ તમામ ગામમાં દરિયાઇ જળસ્તર વધવાને કારણે ડુબવાનો ખતરો છે. ઇંસ્ટીટ્યૂટ ઓફ સીસ્મૉલોજી રિસર્ચના વૈજ્ઞાનિક રાકેશ ધુમકાની સ્ટડી અનુસાર અમદાવાદ દર વર્ષે 12થી 25 મિલિમીટર એટલે કે સવાથી અઢી સેન્ટીમીટર ડુબી રહ્યુ છે, જેનું કારણ ગ્રાઉન્ટ વોટરનું ઝડપથી કાઢવાનું છે. અંડરગ્રાઉન્ડ વોટરને કાઢવા પર પ્રતિબંધ મુકવો જોઇએ. લોકોને પીવાના પાણીની અલગ વ્યવસ્થા કરવી જોઇએ.

 

(7:44 pm IST)