Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો :બળાત્કારની એફઆઈઆર દાખલ થશે

સુપ્રીમ કોર્ટે એફઆઈઆર નોંધવાના નિર્ણય સામેની અરજીને ફગાવી દીધી અને દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો

નવી દિલ્હી : ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમની સામે બળાત્કારની એફઆઈઆર દાખલ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એફઆઈઆર નોંધવાના નિર્ણય સામેની અરજીને ફગાવી દીધી છે અને દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદારો એફઆઈઆર રદ્દ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં જઈ શકે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે એફઆઈઆર નોંધવાના આદેશ પર રોક લગાવી દીધી હતી.

દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ બીજેપી નેતા શાહનવાઝ હુસૈન સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. બળાત્કારની એફઆઈઆર નોંધવાના આદેશને પડકારવામાં આવ્યો હતો. હકીકતમાં, 2022માં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે બીજેપી નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ રેપનો કેસ નોંધવો જોઈએ. દિલ્હી હાઈકોર્ટે પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમોમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે પોલીસને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તમામ તથ્યોને જોતા સ્પષ્ટ થાય છે કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવામાં સંપૂર્ણ અનિચ્છા ધરાવે છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે પોલીસ દ્વારા નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી. નીચલી અદાલતે પોલીસની દલીલને ફગાવી દીધી હતી કે મહિલાની ફરિયાદ નોંધનીય ગુનો છે.

(11:33 pm IST)