Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

પાકિસ્તાનના નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના પૂર્વ નેતા અબ્દુલ લતીફ ગોળી મારી હત્યા : હુમલાખોર ઝડપાયો 

હુમલાખોરોએ અબ્દુલ લતીફ આફ્રિદીને પેશાવર હાઈકોર્ટની અંદર ગોળી મારી: સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ એવા અબ્દુલ લતીફ આફ્રિદી વકીલો સાથે બાર રૂમમાં બેઠા હતા ત્યારે છ ગોળી ચલાવાઈ 

પાકિસ્તાનના નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના પૂર્વ નેતા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અબ્દુલ લતીફ આફ્રિદીની પેશાવર હાઈકોર્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે જેના પગલે ચકચાર મચી ગયો છે. અબ્દુલ પાકિસ્તાનની લશ્કરી સ્થાપનાની ટીકા કરતા હતા. આ હુમલો સોમવારે એટલે કે 16 જાન્યુઆરી ના રોજ કરવામાં આવ્યો હતો. જોકે, હુમલા બાદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોરોએ અબ્દુલ લતીફ આફ્રિદીને પેશાવર હાઈકોર્ટની અંદર ગોળી મારી હતી. ગોળી વાગ્યા બાદ તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના હાજર તબીબીઓ મૃત જાહેર કર્યા હતા.

હોસ્પિટલના પ્રવક્તા મુહમ્મદ આસિમે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અબ્દુલ લતીફ આફ્રિદી વકીલો સાથે બાર રૂમમાં બેઠા હતા ત્યારે છ ગોળી ચલાવવામાં આવી હતી. ઘટનાસ્થળેથી અજાણ્યા હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી માટે તેને કસ્ટડીમાં લીધો હતો.અબ્દુલ લતીફ આફ્રિદીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં તેમના વતન ગામ લઈ જવામાં આવ્યો હતો. પાકિસ્તાનના અબ્દુલ લતીફ આફ્રિદી પર હુમલો કર્યા બાદ હુમલાખોર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો. હુમલા બાદ કોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવી હતી.

(1:10 am IST)