Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

આ કયા પ્રકારનું સીઝફાયર??

રહેણાંક વિસ્તારોમાં ગોળાઓનો વરસાદ અને ખેતરોમાં ફુટયા વગરના બોમ્બ

અર્નિયા (જમ્મુ): શું ખરેખર સીઝફાયર આવું હોય? નાગરિકોને નિશાન બનાવીને મોર્ટાર અને નાની તોપોમાંથી ગોળા વરસાવવા ફેંકવામાં આવેલ કેટલાય બોમ્બ ફુટે છે તો માસૂમોના જીવ લઇ લે છે કેટલાય અપંગ અને લાચાર બની જાય છે. જે બોમ્બ નથી ફુટતા તે શેરીઓ અને ખેતરોમાં જીવતું મોત બનીને પડયા રહે છે.

એલઓસી નજીકના વિસ્તારોમાં રહેનારા હજારો લોકોએ આવી પરિસ્થિતી સાથે જીવવાનું ૫૦ વર્ષથી શીખી લીધું છે. થોડા દિવસ પહેલા થયેલ તોપમારામાં પોતાના સ્વજનને ગુમાવી દેનાર નરેશ કહે છે કે જો આને સીઝફાયર કહેવાતું હોય તો અમારે તેની જરૂર નથી. આના કરતા તો યુધ્ધ સારૂ જેમાં એક વાર આર-પાર થઇ જાય જેથી અમને પણ ખબર પડે કે અમારે જીવવાનું છે કે મરવાનું, અમે હવે આ રોજ રોજ થોડું થોડું મરવાથી કંટાળી ગયા છે.

૧૯૮ કીલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને ૮૧૪ કીમી લાંબી એલઓસી નજીકના વિસ્તારોમાં રહેનારા લગભગ ૪૨ લાખ લોકો દિવસ-રાત બસ એક જ પ્રાર્થના કરતા હોય છે આજે સીઝફાયરનો ભંગ ન થાય. પલ્લાંવાલાના ડીગ્વારો મહમ્મદ અક્રમ જેના બે દિકરાઓ ના જીવ પેલી બાજુથી થનારા તોપમારામાં ગયા છે અને કેટલીય વાર તોપમારામાં તેનું ઘર નેસ્તોનાબૂદ થયું છે, કહે છે કે અમે માંડ માંડ ઘર ઉભું કરીએ છીએ પણ પાક સેના તેનો નાશ કરવા પર ઉતારે છે.

કોઇ નથી જાણતું કે સીઝફાયરનું ભાવિ શું હશે, પણ આ લોકોનુ ભાવિ જરૂર ખતરામાં છે. તેઓ રોજ થોડા થોડા મરી રહ્યા છે. તેમના માથા પર પાક સેનાના બોમ્બનું જોખમ તો છે જ સાથે જ તેમના ભૂખે મરવાની નોબત આવવા લાગી છે. મુશ્કેલી એ છે કે રાજય સરકાર પણ તેમને મદદ ત્યારે જ કરે છે, જયારે યુધ્ધ જાહેર થયું હોય. આ લોકોની કમનસીબી એ છે કે રોજ કરવામાં આવતું સીઝફાયરનું ઉલ્લંઘન તેમના માટે યુધ્ધ પરિસ્થિતી જેવું જ છે.

(1:28 pm IST)